Get The App

કલેકટર કચેરીના ગેટ પાસે જિલ્લા કલેકટરે કાર ચાલક સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ

- કાર પર ધોકો મારી નીચે ઉતરવા કહી અપમાન કર્યું ચાલકની પોલીસ, સાંસદ અને ધારાસભ્યને રજૂઆત

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News
કલેકટર કચેરીના ગેટ પાસે જિલ્લા કલેકટરે કાર ચાલક સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ 1 - image


સુરેન્દ્રનગર, તા.4 જુલાઈ 2020, શનિવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ સતત વધી રહ્યાં છે ત્યારે કોરોના વાયરસની મહામારી અને સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા જાતે જ અનલોક-૨ દરમ્યાન માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું. 

જે દરમ્યાન કલેકટર કચેરીના ગેઈટ પાસેથી પસાર થઈ રહેલ કારચાલકને ઉભા રાખી ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર કારચાલકે એ ડિવીઝન પોલીસ મથક સહિત સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને લેખીત રજુઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ શહેરી વિસ્તારમાં રહેતાં પૂર્વજીતસિંહ રાણા પોતાની કાર લઈને કલેકટર કચેરીના ગેઈટ પાસેથી જઈ રહ્યાં હતાં તે દરમ્યાન જિલ્લા કલેકટર કે.રાજેશે તેઓની કારને ઉભી રાખી કાર ઉપર ધોકો મારી નીચે ઉતરવાનું કહી ગેરવર્તન કર્યું હતું અને પોતે કોઈપણ જાતના નિયમનો ભંગ ન કર્યો હોવા છતાં અપમાનજનક વર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જે અંગે ભોગ બનનાર કારચાલકે સ્થાનિક પોલીસ મથક સહિત ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા સહિત ચીફ સેક્રેટરીને લેખીત રજુઆત કરી હતી અને આ અંગે ઉચ્ચકક્ષાએથી યોગ્ય પગલા ભરી જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વહિવટ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનચાલકો સહિત નાગરિકો સાથે ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે ફરી એક કારચાલક સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી જવા પામી હતી.

Tags :