જિલ્લામાં અઢી મહિના પછી મંદિરો, ધાર્મિક સ્થળો ખૂલતા ભક્તોમાં આનંદ
- સરકારી ગાઇડલાઇનનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન સહિતના નિયમો સાથે ભક્તોએ દર્શન કર્યા
- અનલોક-૧માં રાજ્યના મંદિરોના પગલે
સુરેન્દ્રનગર, તા.8 જૂન 2020, સોમવાર
સમગ્ર દેશમાં કોરોના વાયરસને પગલે સંક્રમણ ન ફેલાય તેવાં હેતુથી સરકાર દ્વારા દેશના તમામ મંદિરો સહિત ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યાં હતાં ત્યારે લોકડાઉન-૪ બાદ સરકારે અનલોક-૧ની જાહેરાત કરી હતી અને જેના બીજા તબક્કામાં શરતોને આધીન છુટછાટ આપી દેશભરના ધાર્મીક સ્થળો સહિત મંદિરો ફરી અઢી મહિના બાદ ખોલવાની મંજુરી આપી છે.
જેના ભાગરૃપે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર, મુળી ખાતે આવેલ મંદિરો, વઢવાણ નકટીવાવ મેલડી માતાજીનું મંદિર અને વઢવાણ ખાતે આવેલ ગણપતિ ફાટસર સહિત ધાર્મીક સ્થળો ફરી ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતાં.
જેમાં વઢવાણ ગણપતિ ફાટસર મંદિર દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન કરી દરેક ભક્તોએ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, પ્રસાદી ધરાવવી નહિં, શ્રીફળ પણ વધેરવું નહિં, ગણપતિના પાઠ ઘેર કરવા સહિતની તમામ સુચનાઓનું પાલન કરી મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જ્યારે જિલ્લાના અન્ય મંદિરો પણ સરકારની ગાઈડલાઈન મુજબ શરતોને આધીન ખોલવામાં આવ્યાં હતાં. જ્યારે અઢી મહીના બાદ મંદિરોમાં ફરી દર્શન શરૃ થતાં ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.