Get The App

એક દિવસની આંશિક રાહત બાદ જિલ્લામાં ફરી ઠંડીનો ચમકારો

Updated: Jan 25th, 2023

GS TEAM

Google News
Google News
એક દિવસની આંશિક રાહત બાદ જિલ્લામાં ફરી ઠંડીનો ચમકારો 1 - image


- ખુલ્લામાં રહેતા 7 લોકોને આશ્રયઘરમાં પહોંચાડયા  સુરેન્દ્રનગરમાં લઘુતમ તાપમાન 9.9 ડિગ્રી નોંધાયું

સુરેન્દ્રનગર : એક દિવસની આંશિક રાહત બાદ સુરેન્દ્રનગર પંથકમાં ગઈ કાલે ફરી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ૧.૫ ડિગ્રીના ઘટાડા સાથે સુરેન્દ્રનગરમાં ૯.૯ ડિગ્રી લઘુતમ તાપમાનથી વાતાવરણ ટાઢુંુબોળ હોવાનો અનુભવ થયો હતો. શહેરમાં ખુલ્લામાં પડી રહેતા લોકોને ઠંડીથી બચાવવા માટે નગરપાલિકા દ્વારા રાત્રિફેરી કરીને ૭ વ્યક્તિને આશ્રયઘરમાં લઈ જવાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કડકડતી ઠંડી પડી રહી છે. બર્ફીલા પવન સાથે વાતાવરણ ટાઢુંબોળ થઈ જતું હોવાથી કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાય છે. મોડી સાંજ પછી કડકડતી ઠંડી હોવાથી લોકો વેપાર-ધંધામાંથી અને ઘરના કામમાંથી વહેલા પરવારી ઘરમાં પુરાઈ રહ્યા હતા. 

ખાસ કરીને ખુલ્લા આકાશ નીચે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની હાલત દયનીય બની જતી હોય છે. નગરપાલિકાની ટીમ દ્વારા રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ખુલ્લામાં સૂતેલા લોકોને શેલ્ટર હોમમાં આશ્રય લેવા સમજાવાયા હતા. જેમાંથી સાતેક વ્યક્તિને નગરપાલિકાના વાહનમાં આશ્રય ઘર ખાતે લઈ જવાયા હતા. હજુ ત્રણેક દિવસ ઠંડીનો ચમકારો રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

Tags :