શિરોઈ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાં માનસર ગામનો યુવાન ડૂબી ગયો
- મિત્રો સાથે નહાવા પડેલો યુવાન ડૂબી જતા તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી
હળવદ, તા. 22 જૂન 2020, સોમવાર
હળવદ તાલુકાના શીરોઈ ગામ નજીક બ્રાહ્મણી-૨ ડેમમાં ન્હાવા ગયેલ એક ૨૨ વર્ષીય યુવાન ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે જેને કારણે સ્થાનિક તરવૈયાઓ દ્વારા ડેમના પાણીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે તાલુકાના માનસર ગામેથી કેટલાક મિત્રો શીરોઈ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમમાં નાવા માટે ગયા હતા જેમાંના એક મેહુલભાઈ ડાભી ઉંમર વર્ષ ૨૨ ડેમના પાણીમાં ગરકાવ થઈ જતા પાણીમાં ડૂબી ગયો હોવાનું સાથી મિત્રોને ધ્યાને આવતા તેઓ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. જેને કારણે આજુબાજુના ખેડૂતો ડેમ કાંઠે દોડી આવ્યા હતા અને હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેમના ઉંડા પાણીમાં આ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.