હળવદમાં કોટન મીલ પાસે વીજળી પડતા શીરોઈ ગામના વકીલનું મોત
- તાલુકામાં 24 કલાકમાં વીજળી પડવાના 2 બનાવ
- હળવદથી બાઈક લઈ વકીલ ઘરે જતા હતા ત્યારે વીજળી એકાએક તૂટી પડી
હળવદ, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર
હળવદ માનસર- રોડ આવેલી શ્રીધર કોટન મીલ પાસે વીજળી પડતાં શીરોઈ ગામના એડવોકેટ પી.પી .વાઘેલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ગુરૂવારે સાંજે મેઘો મંડાયો હતો, જોરદાર ગાજવીજ કડાકા-ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી, ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજળી પડવાના બે અલગ અલગ બનાવો બન્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ માનસરરોડ પર આવેલ શ્રીધર કોટન મીલ પાસે વીજળી પડતાં હળવદથી શીરોઈ જતા જાણીતા એડવોકેટ પી. પી. વાધેલા પોતાની મોટરસાયકલ લઈને જતા હતા ત્યાં અચાનક વીજળી પડતાં શિરોઈ ગામના એડવોકેટ પી.પી. વાઘેલા નું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. હળવદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા, ઘટનાની જાણ થતા સરકારી હોસ્પિટલ ખાતે મિત્ર સર્કલ, આગેવાનો દોડી આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડો. કૌશલ પટેલે પીએમ રીપોર્ટમાં જણાવ્યું હતું કે એડવોકેટ પી. પી. વાઘેલાનુ મોત વીજળી પડવાથી થયુ જમણા હાથમાંથી વીજળી પ્રવેશી માથાના ભાગમાં ફુટ જોવા મળી હતી, એડવોકેટના મોતના સમાચારથી હળવદ અને શિરોઈ ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું, નાના એવા શિરોઈ ગામમાં એરેરાટી વ્યાપી જવા પામી હતી. ગુરૂવારે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં આફતનો વરસાદ વરસ્યો હતો, મીયાણીમાં વીજળી પડતા ૧૨ ધેટાના કરૂણ મોત થયા હતા.