તારાપુર-વટામણ હાઈવે પર ટ્રક ચાલકોને લૂંટતી ગેંગ પકડાઈ
- કસબારા પાસે સાત ટ્રકચાલકો લૂંટાયા બાદ પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું
- આણંદ એલસીબીએ ગેંગના ત્રણ સભ્યોને ધોળકા તાલુકાના ગાંગડ ગામેથી દબોચી લીધા
બગોદરા, તા. 7 જૂન 2020, રવિવાર
તારાપુર-વટામણ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ટ્રકચાલકોને લૂંટતી ટોળકી સક્રીય થઈ હતી. તાજેતરમાં કસબારા પાસે ભાવનગર સહિતના સાત ટ્રકચાલકોને છરીની અણીએ બંધક બનાવી ઢોર માર મારી લૂંટી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું. જેના પગલે આણંદ એલસીબીએ હાઈવે પર લૂંટ ચલાવતી ટોળકીના ત્રણ સભ્યોને ધોળકા તાલુકાના ગાંગડ ગામેથી ઝડપી લેતા હાઈવે લૂંટના અનેક ગૂનાના ભેદ ઉકેલાયા છે.
આરોપીઓએ આણંદ-ભરૂચ તથા વડોદરા જિલ્લામાં લૂંટના ગૂનાને અંજામ આપ્યાની કબૂલાત
આણંદ જિલ્લામાં પસાર થતાં તારાપુર-વટામણ હાઈવે પર ટ્રકચાલકોને લૂંટવાના અનેક બનાવો નોંધાતા આ ગૂનાને ભેદ ઉકેલવા પોલીસ માટે કોયડો બની ગયો હતો. ત્યારે તાજેતરમાં હાઈવે પરના કસબારાના પાટીયા નજીક લૂંટારું ટોળકીએ સ્ત્રીઓનો વેષ ધારણ કરી હાઈવે પર ઉભા રહી મદદના બહાને ટોર્ચથી સાત જેટલા ટ્રકચાલકોને રોકી લેતા હતા.
બાદમાં આ ડ્રાઈવરોને છરી જેવા હથિયારો બતાવી વેરાન જગ્યા પર લઈ ગયા હતા અને કપડાથી બાંધી ઢોર માર મારી રોકડ મોબાઈલ સહિતની મત્તા લૂંટી લીધી હતી. આ ઘટનાનો ભોગ બનનાર ટ્રકચાલકોએ આપવીતિનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાઈરલ કરતા આણંદ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કર્યા બાદ અજાણ્યા લૂંટરું સામે ગૂનો નોંધ્યો હતો.
ગૂનાની તપાસ ચલાવતી આણંદ એલસીબીએ કેટલાંક શંકમંદોની પૂછપરછ કરતાં ધોળકા તાલુકાના કેટલાક શખ્સોના નામ લૂંટારું ટોળકીમાં ઉછળ્યા હતા. જેને પગલે પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર જમાલ દાઉદ સિંધી (ડફેર), રજનીકાંત દામોદર શ્રીમાળી, ઘનશ્યામ અરજન દૈવીપૂજક તમામ રહે. ગાંગડ તા. ધોળકાની તા. ૬-૬-ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની અટક બાદ પૂછપરછ કરતાં તેમણે ત્રણ મહિના પહેલા વરસડા પાટીયા પાસે ભાવનગરના વરતેજ ગામના ટ્રકચાલકની છરીની અણીએ રોકી અપહરણ કર્યું હતું.
અને ઢોર માર મારી રોકડ મોબાઈલ સહિત ૧૪૩૦૦ ની મત્તાની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં તા. ૨૯-૫-ના રોજ કસબારા પાટીયા નજીક આરોપીઓ ભેગા મળીને ટ્રકચાલક ભોલાભાઈ ઉર્ફે મહારાજ ધીરૃભાઈ દેવમોરારીને છરો બતાવી ચાંદીના કડા તેમજ રોકડ મળી રૃા. ૩૦,૦૦૦થી વધુની મત્તાની લૂંટ ચલાવ્યાની કબૂલાત કરી હતી.
લૂંટારું ટોળકીની ગૂનાને અંજામ આપવાની મોડ્સ ઓપરન્ડી
હાઈવે પર પહેલા વાહનના પંચર પડયું હોય તેવા પ્રકારનો સીન ઉભો કરી હાઈવે પર પસાર થતાં ટ્રકચાલકો પાસે મદદ માગી ઉભા રખવતા હતા બાદમાં જેવો ટ્રકચાલક ગાડીમાંથી નીચે ઉતરે તુરંત આ ટોળકી ચાલકોને બંધક બનાવી અવાવરૃ ખેતરમાં લઈ જતી હતી બાદમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લૂંટી લેતી હતી. આ ઉપરાંત કેટલીક વાર ટોળકીના સાગરીતો સ્ત્રીનો વેષ ધારણ કરી ટ્રકચાલકોને ઉભા રખાવતા હતા.
ટોળકીનો જમાલ સિંધી અગાઉના લૂંટના ગૂનામાં સંડોવાયેલો
હાઈવે લૂંટારું ગેંગનો મુખ્ય સૂત્રધાર જમાલ દાઉદ સિંધીએ (ડફેર) અગાઉ તેમના સાગરીતો રમજાન ગની સહિતના શખ્સોએ મળીને કચ્છ જિલ્લાના માળીયા પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે પર ટ્રક ડ્રાઈવરની લૂંટવિથ હત્યાના ગૂનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.