થાનગઢના બૂટલેગરનો ઘઉંની આડમાં સંતાડેલો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
- સ્થાનિક બુટલેગર સક્રિય પણ પોલીસ અંધારામાં! ૮૧૮૯ બોટલ સાથે ડ્રાઈવર ઝડપાયો, બે બુટલેગરો નાસી છુટયા
ચોટીલા, તા. 18 જુલાઇ 2020, શનિવાર
થાનગઢ પંથક ગુનાખોરી માટે સમગ્ર જીલ્લામાં જાણીતું બની રહેલ છે ત્યારે દારૂ જુગાર સહિતની અસામાજીક પ્રવૃતિઓ ડામવામાં સ્થાનિક પોલીસ ઢીલી પડતી હોવાનું ફલીત થઈ રહેલ છે છેક રાજસ્થાનથી ઇગ્લીશ દારૂ ભરેલ ટ્રક થાનગઢ સુધી પહોચે સ્થાનિક પોલીસ અંધારામાં રહે અને આઇ જીની સ્પે સ્કવોડ લોકલ ધંધાર્થીઓએ મંગાવેલ ૩૬ લાખથી વધુનો દારૂ પકડી પાડી ગુનો દાખલ કરાવતા બુટલેગરો સક્રિય બનેલ હોવાનું બહાર આવેલ છે.
રેપીડ રીસ્પોન્સ સેલનાં પી.આઇ. એમ પી. વાળાની ટીમનાં અનિલભાઈ, પ્રફુલભાઇ ખીમસુરીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે થાન તરણેતર રોડ ઉપર ગત રાત્રીનાં કટીંગ કરવા માટે બુટલેગર સાથે જતી રાજસ્થાન પાસગની ટ્રકને અટકાવવાનો પ્રયાસ કરતા થાનગઢનો રહેવાસી ફારૂક ઇબ્રાહીમભાઇ ભટ્ટી તેમજ અન્ય એક શખ્સ નાસી છુટેલ હતા, જયારે પોલીસનાં હાથે ટ્રકચાલક જોધપુરના સાઈ ગામનો પપ્પારામ માનારામ જાટ ઝડપાઇ ગયેલ હતો અને ટ્રકમાં ઇગ્લીશ દારૂની જુદીજુદી બ્રાન્ડની બોટલ નંગ ૮૧૮૯ની પેટીઓ ઉપર ઘઉ ભરેલ કટ્ટાઓ ગોઠવી તાલપત્રીથી પેક કરેલ મળી આવેલ હતી. જથ્થો હરિયાણા બોર્ડર ઉપરથી ભરેલ ટ્રક સાથે સિકરીનાં નરેન્દ્ર જાટ નામની વ્યક્તિએ ચાલકને સોપેલ હતો. આઇ જી સ્કવોડે ૩૬,૩૧,૫૦૦નો ઇગ્લીશ દારૂનો જથ્થો ચાર મોબાઇલ ટ્રક અને દારૂ સહિત કુલ રૂ. ૪૫,૨૬,૦૦૦ નો મુદ્દામાલ થાનગઢ પોલીસને સોપી ચાર શખ્સો તેમજ તપાસમાં ખુલે તે સહિતના સામે ગુનો દાખલ કરાવી વધુ તપાસ જીલ્લા એલસીબી પીઆઈ ડી. એમ ઢોલને સોપેલ છે.
જ્યારે સ્થાનિક પોલીસ ની જાણ બહાર આઇ જી સ્કવોડે આવડો માટો જથ્થો પકડી પાડતા બેડામાં ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે પકડાયેલ ડ્રાઇવરની પુછપરછમાં વધુ કેટલાક ધડાકા થવાની સંભાવનાઓ રહેલી છે.