ધોળકા તાલુકાના કૌકા ગામની સીમમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાઇ ગયા
- જુગાર રમાડનાર મુખ્ય 2 શખ્સો ન મળ્યા
- એલસીબીએ ખેતરમાં રેડ કરી રોકડ, મોબાઇલ સહિત રૃા. ૮૪,૭૦૦થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
બગોદરા, તા. 8 જુલાઈ 2020, બુધવાર
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૃ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે જેમાં ધોળકા, બાવળા અને બગોદરા સહિતના ગ્રામ્ય પંથકમાં મોટાપાયે ઈંગ્લીશ દારૃ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસવડાની સુચનાથી ધોળકા ગ્રામ્ય એલસીબી પોલીસે ધોળકા તાલુકાના કૌકા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતાં ૮ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં હતાં જ્યારે અન્ય બે શખસો હાજર મળી આવ્યાં નહોતા.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા તાલુકાના કૌકા ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીના પાછળના ભાગે વૃક્ષના છાયામાં ધોળકા તાલુકાના બદરખા ગામનાં બે શખ્સો બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડતાં હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી. જેમાં ૮ શખ્સો (૧) અલીઅસગર બાબુભાઈ પરમાર (૨) રજનીકાન્ત ત્રીકમભાઈ પટેલ (૩) અયુબભાઈ મહંમદભાઈ મલેક (૪) વિમલભાઈ પ્રવિણભાઈ પટેલ (૫) જીગ્નેશભાઈ રમેશભાઈ પટેલ (૬) છત્રસિંહ મોહનસિંહ રાઠોડ (૭) ઋષીકેશભાઈ ભાસ્કરભાઈ પટેલ (૮) પ્રફુલભાઈ હરિભાઈ ગોળને રોકડ રૃા.૮૨,૪૦૦ તથા દાવ ઉપરથી રોકડ રૃા.૨,૩૦૦ મળી કુલ રૃા.૮૪,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતાં. જ્યારે જુગાર રમાડનાર બે શખ્સો સાવનભાઈ પટેલ તથા જવંતસિંહ મસાણી હાજર મળી આવ્યાં નહોતા આ તમામ આરોપીઓ વિરૃધ્ધ ધોળકા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.