ધોળકા ફતેવાડી કેનાલ પાસે ફાર્મ હાઉસમાં જુગાર રમતા 6 પકડાયા
- પોલીસે રૃ. ૧.૦૮ લાખની મતા કબજે કરી
બગોદરા, તા. 23 જૂન 2020, મંગળવાર
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૃ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સુચનાથી ધોળકા એ.એસ.પી. નીતેશ પાંડેય સહિત ધોળકા ટાઉન પી.આઈ. એલ.બી.તડવીના માર્ગદર્શન હેઠળ ધોળકા પોલીસે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
જેમાં ધોળકા રેલવે ફાટક પાસે આવેલ ફતેવાડી કેનાલ નજીક જાહીદભાઈ ઉર્ફે જોની અહેમદભાઈ અજમેરીના ફાર્મ હાઉસના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે ૬ શખ્સો ઈલીયાસભાઈ અલ્લારખાભાઈ બાવનકા, મહેબુબભાઈ ફરીદભાઈ છીપા, પિયુષભાઈ અરજણભાઈ પટેલ, નીતેશકુમાર બાબુલાલ શાહ, નરેશભાઈ કાંતિલાલ પંચાલ અને પંકજભાઈ પરસોતમભાઈ પટેલને રોકડ રૃા.૧૪,૮૮૦/- તથા મોબાઈલ ફોન નંગ-૬ કિંમત રૃા.૧૪,૦૦૦/- તથા ત્રણ મોટર સાયકલ કિંમત રૃા. ૮૦,૦૦૦/- સહિત કુલ રૃા.૧.૦૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય શખ્સો સલીમ ઉર્ફે સલ્લુ અબદે રહેમાન ગડીત, જાહીદભાઈ ઉર્ફે જોની અહેમદભાઈ અજમેરી તથા બે શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ વિરૃધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.