ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 5 પોઝિટિવ કેસો મળતા ફફડાટ
- કોરોનાના કારણે હોટસ્પોટ બનેલા
- શહેરી વિસ્તાર અને ગ્રામ્યમાં કેસો વધતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ : 1 દર્દીનું મોત
બગોદરા, તા.24 જૂન 2020, બુધવાર
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે ધોળકા તાલુકામાં વધુ પાંચ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાય જેવા પામ્યો હતો જ્યારે એક દર્દીનું કોરોનાથી મોત પણ નીપજ્યું હતું.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને દરરોજ મોટીસંખ્યામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ધોળકા તાલુકામાં વધુ પાંચ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જેમાં અયોધ્યા સોસાયટી, પાનારાવાળ, મેનાબેન ટાવર સહિતના શહેરી વિસ્તારમાં અને ત્રાસદ ગામે બે વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જ્યારે બીજી બાજુ અયોધ્યા સોસાયટીમાં રહેતાં અને ત્રાસદ ગામે આવેલ કેડીલા કંપનીના કર્મચારીને કોરોના પોઝીટીવ આવતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ સાથે ધોળકા તાલુકામાં કોરોના પોઝીટીવ આંક ૨૩૧ ઉપર પહોંચ્યો હતો જ્યારે ધોળકા શહેરના શિવશક્તિ સોસાયટીમાં રહેતાં વ્યક્તિનું કોરોના વાયરસથી મોત નીપજ્યું હતું અને કોરોનાથી કુલ ૨૨ ઉપર પહોંચ્યો હતો.