મહિલાનો વેશ ધારણ કરી વાહનચાલકોને લલચાવી લૂંટી લેતા 4 શખ્સો પકડાયા
- રાજ્યમાં આતંક મચાવનારા પકડાયા
- અમદાવાદ ગ્રામ્ય પોલીસે રેથલ પાસેથી ૩ બંદૂક, છરી, સહિત રૃા. ૧.૧૭ લાખના મુદ્દામાલ સાથે પકડયા
બગોદરા, સાણંદ, તા.1 જુલાઈ 2020, બુધવાર
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતાં હાઈવે પરના વાહનચાલકોને રાત્રીના સમયે મહિલાનો વેશ ધારણ કરી વાહનચાલકને લલચાવી લુંટ કરતી ગેંગ જિલ્લામાં સક્રિય થતાં ગ્રામ્ય પોલીસવડા આર.વી.અસારી તથા એલસીબી પીઆઈ ડી.એન.પટેલ સહિતનાઓએ સુચનાઓ આપી હતી.
જેના ભાગરૃપે એલસીબી પીઆઈ સહિત પીએસઆઈ કે.કે.જાડેજા, બી.એચ.ઝાલા સહિતનાઓએ અલગ-અલગ ટીમો બનાવી હતી. જેમાં એસઓજી પીએસઆઈ જે.એમ.પટેલ સહિતનાઓએ કોમ્બીંગ હાથધર્યું હતું.
જેમાં સાણંદ તાલુકાના રેથલ ગામની સીમમાંથી ચાર શખ્સો આમદ મયુદ્દીન સીંધી (ડફેર) ઉ.વ.૨૫, રહે.રેથલ તા.સાણંદ, અલ્લારખ્ખા ઉર્ફે કટીયો સુલેમાનભાઈ સીંધી (ડફેર) ઉ.વ.૪૧ રહે.રેથલ, તા.સાણંદ મુળ રહે.જાંબુ તા.લીંબડી, ભુરાભાઈ ઉર્ફે ભુરો તૈયબભાઈ સીંધી (ડફેર) ઉ.વ.૨૦ રહે.રેથલ તા.સાણંદ તથા ગની ઉર્ફે બુચીયો દાઉદભાઈ સીંધી (ડફેર) ઉ.વ.૩૦ રહે.રેથલ તા.સાણંદવાળાને જામગરી બંદુક નંગ-૩ કિંમત રૃા.૧૫,૦૦૦ બાઈક નંગ-૪ કિંમત રૃા.૧,૦૦,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૪ અને છરી નંગ-૪ કિંમત રૃા.૨,૦૪૦ સહિત કુલ રૃા.૧,૧૭,૦૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં હતાં. જ્યારે આરોપીઓની પુછપરછ દરમ્યાન તમામ આરોપીઓએ ભેગા મળી મોરબી, ગાંધીનગર, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગુન્હાઓ કર્યા હોવાનું બહાર આવ્યું હતું.
અને વધુ પુછપરછ કરતાં રાત્રીના સમયે બાઈક લઈ ટાર્ગેટ કરેલ રોડ ઉપર મહિલાનો વેશ ધારણ કરી હાઈવે પર ઉભા રહી વાહનચાલકોને લલચાવી રોડની સાઈડમાં ચોકડીઓમાં લઈ જઈ હાથ-પગ બાંધી મારમારી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીનાઓની લુંટ ચલાવતાં હોવાની કબુલાત કરી હતી.