લખતર-વિરમગામ રોડ પર ખનીજ ચોરી કરતા 3 ડમ્પર ઝડપાયા
- ખાણ ખનીજ વિભાગના ચેકિંગમાં ૭૫ લાખના મુદ્દામાલ સાથે બે ચાલકો સામે ફરિયાદ નોંધાવાઇ
સુરેન્દ્રનગર, તા. 1 ઓગસ્ટ, 2020, શનિવાર
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેમાં ખનીજ સંપત્તિનું ખનન કરી ડમ્પર મારફતે જિલ્લાના હાઈવે પરથી વહન કરવામાં આવે છે ત્યારે લખતર-વિરમગામ રોડ પરથી ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓએ ચેકીંગ દરમ્યાન ત્રણ ડમ્પરો સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, ચોટીલા, થાન, સાયલા સહિતના તાલુકાઓમાં મોટાપાયે ખનીજ સંપત્તિ આવેલી છે અને ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમે લખતર-વિરમગામ રોડ પર ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન એક ડમ્પર બિનવારસી હાલતમાં તથા બે ડમ્પર ઓવરલોડ ખનીજ સંપત્તિ ભરેલ હાલતમાં જણાઈ આવતાં ડમ્પરચાલકો કાનાભાઈ કામણભાઈ જોગરાણા તથા ધનસુખભાઈ પરષોત્તમભાઈ મકવાણાવાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને ત્રણેય ડમ્પર સહિત અંદાજે રૂા.૭૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે ખાણ ખનીજ વિભાગનાં ચેકીંગથી ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.