Updated: May 23rd, 2023
- સુરેન્દ્રનગર ડીસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ શાખા દ્વારા
- 8189 અરજીમાં માપણી બાકી, આગામી દિવસોમાં અરજીઓનો નિકાલ કરાશે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ડીસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ શાખા દ્વારા ખેતીની જમીનની માપણી અંગે આવેલી વાંધા અરજીમાં રી-સર્વેની અત્યાર સુધીની કામગીરી દરમ્યાન ૨૧,૨૫૮ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે ૮૧૮૯ અરજીમાં માપણી બાકી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, ખેતીની જમીનમાં નકશા ફરી ગયા હોય, નવા નકશા મુજબ માપ-સાઈઝ ફરી ગયા હોય કે, આકૃતિ ફરી ગઈ હોય તેવા ખેડુત ખાતેદાર દ્વારા જમીન માપણી માટે વાંધા અરજી મુકવામાં આવે છે, અને તેનો લેન્ડ રેકર્ડ શાખા દ્વારા રી-સર્વે કરી માપણી કરી આપવામાં આવે છે. અગાઉ એજન્સી મારફત આ કામગીરી થતી હતી. પરંતુ ક્ષતિઓ રહી જતી હોવાથી સરકારનાં આદેશ બાદ સરકારી તંત્રનાં સર્વેયરો દ્વારા આ કામગીરી થાય છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૦૧૮થી અત્યાર સુધીમાં રીસર્વે ક્ષતિ સુધારણા અંતર્ગત આવેલ ૨૯,૪૪૭ અરજીઓ પૈકી ડીસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ શાખા દ્વારા રી-સર્વે-માપણીની કામગીરી કરી ૨૧,૦૫૮ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે, અને ૮,૧૮૯ અરજીમાં રી-સર્વેની કામગીરી બાકી છે. હાલમાં કામગીરી ચાલુ હોય તેવા ગામોમાં ચોટીલા તાલુકાના ભેટસુડા ગામે ૨૦૩ અરજીઓ, લીબંડી તાલુકાનાં રળોલ ગામે ૩૩૨ અરજીઓ, દસાડા તાલુકાનાં માલવણ ગામે ૭૦ અરજીઓ, વઢવાણ તાલુકાના બાયપાસ હાઈવેમાં કપાત થતા રાજપર, મુળચંદ, લટુડા-કટુડા ગામોની ૧૫૦ અરજીઓ, ધ્રાંગધ્રા તાલુકાનાં રાજસીતાપુર, હામપર, ખાંભડા ગામની ૧૫૦ અરજીઓ, ચુડા તાલુકાનાં ચોકડી ગામની ૭૪ અરજીઓનો સમાવેશ થાય છે. જીલ્લામાં હાલ રાજકોટ-કચ્છનાં ૬ સહિત સુરેન્દ્રનગર જીલ્લાનાં ૧૮ જેટલા સર્વેયરો દ્વારા આ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે અને જાન્યુઆરી-૨૦૨૪ સુધીમાં તમામ અરજીઓના નિકાલનાં લક્ષ્યાંક સાથે માસીક ૯૦૦થી વધુ અરજીનાં નિકાલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત અરજી નહીં કરનાર અરજદારોની પણ સ્થળ પર જ અરજી લઈ નિકાલ કરવા આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવેલ છે. સ્વામિત્વ યોજના હેઠળ ઝાલાવાડનાં તમામ તાલુકામાં જુલાઈ-૨૦૨૪ સુધીમાં ડ્રોન ફલાઈંગ કામગીરી પૂર્ણ કરીને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.