સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ
- બંને યુવાનો લીંબડીની જીનમાં ફરજ બજાવતા હતા
- દાળમીલ રોડ પરના અંબિકા પાર્ક અને શિવસંગાથ ફલેટમાં રહેતા બે શખ્સો કોરોનામાં સપડાયા
સુરેન્દ્રનગર, લીંબડી, તા.5 જૂન 2020, શુક્રવાર
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વધુ બે કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જ્યારે બંન્ને દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વધુ બે કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાયા હતાં જેમાં શહેરની મધ્યમાં આવેલ વિમલનાથ સોસાયટી વિસ્તારમાં આવેલ શિવસંગાથ ફલેટમાં રહેતાં અને જીનમાં ફરજ બજાવતાં આનંદભાઈ ત્રીભોવનભાઈ લખતરીયા ઉ.વ.૨૮વાળા અને શહેરના દાળમીલ રોડ વિસ્તારમાં કોરોના પોઝીટીવ આવેલ યુવકના ભાઈ અતુલભાઈ ધનજીભાઈ સારલા ઉ.વ.૨૯વાળાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જ્યારે આ બંન્ને દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી લીંબડી ખાતે આવેલ બાબુભાઈના જીનમાં હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે કોરોના પોઝીટીવ આવેલ દર્દી અતુલભાઈ સારલાએ પોતે જ કોરોના પોઝીટીવ આવ્યાં બાદ સોશ્યલ મીડીયામાં મેસેજ કરી લોકોને અપીલ કરી હતી જે મુજબ પોતે લીંબડીના બાબુભાઈના મીલન જીનીગ ફેકટરીમાં એકાઉન્ટનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું અને તેઓની ઓફીસમાં કુલ ચાર જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે અને હજુ પણ અનેક લોકોની તબીયત ખરાબ હોવા છતાં કોઈપણ જાતનું ચેકઅપ કરવામાં ન આવ્યું હોવાનું અને પોતાનો ભાઈ પણ આ જીનીંગમાં કામ કરતો હોવાનું સોશ્યલ મીડીયામાં જણાવ્યું હતું અને જે લોકો સંપર્કમાં આવ્યાં હોય તેમને આરોગ્ય વિભાગને જાણ કરી જાતે જ કોરોન્ટાઈન કરવાની અપીલ કરી હતી. જ્યારે બંન્ને કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં અને આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૪૭ ઉપર પહોંચ્યો હતો.
તેમજ વધુ બે કોરોના પોઝીટીવ કેસો આવતાં આરોગ્ય વિભાગની ટીમે દર્દીઓના રહેણાંક વિસ્તારમાં જઈ સેનેટાઈઝેશન અને ક્વોરન્ટાઈન સહિતની કામગીરી હાથધરી હતી.