2 કાર અથડાતા અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા 2ને ગંભીર ઈજા
- સાયલાના સુદામડા પાસે હાઈ-વે પર
- કાર પલટતા જીવ બચાવવા ભાગેલા બે શખ્સોને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઘાયલ કર્યા ઃ ફાયરિંગ કર્યાની પણ ચર્ચા
સાયલા, તા. 12 જુન 2020, શુક્રવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં લુંટ, ફાયરીંગ અને હત્યા તેમજ ખંડણી સહિતના બનાવોએ માજા મુકી છે અને લોકડાઉન હોવા છતાં ગુન્હાખોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા-સુદામડા રોડ પર આવેલ એક ક્વોરી પાસે દિન-દહાડે ફાયરીંગનો બનાવ બન્યો હતો જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યારે આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા-સુદામડા હાઈવે પર આવેલ શીવમ્ ક્વોરી પાસે સામસામે બે કાર અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર પલટી મારી જતાં પોતાનો જીવ બચાવવા કારમાં સવાર શખ્સો બાજુમાં આવેલ શીવમ્ ક્વોરીની અંદર દોડી આવ્યાં હતાં અને તેમની પાછળ અંદાજે પાંચ થી છ અજાણ્યા શખ્સો પણ ક્વોરીના ગ્રાઉન્ડમાં લાકડી જેવાં તીક્ષણ હથિયારો વડે આવી પહોંચ્યા હતાં અને એક સંપ થઈ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં અરવિંદભાઈ લીંબાભાઈ અણીયારીયા તેમજ ભાદાભાઈ વીરમભાઈ દુમાણીયા સહિત બે શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે પ્રથમ સાયલા અને ત્યારબાદ સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ બનાવમાં ત્રણ જેટલાં રાઉન્ડ ફાયરીંગ થયાં હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે તેમજ આ બનાવની જાણ થતાં સાયલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને નાસી છુટેલ આરોપીઓને ઝડપી પાડવા તેમજ ફરિયાદની તજવીજ હાથધરી હતી.
જ્યારે જિલ્લામાં એક જ દિવસમાં હત્યા અને ફાયરીંગના બનાવો બનતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભાં થયાં હતાં.