જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 16 કેસ
- ઝાલાવાડમાં કાળમુખો વાઈરસ હટવાનું નામ જ લેતો ન હોવાથી ભયનો માહોલ
- સુરેન્દ્રનગર-જોરાવરનગરમાં ૧૪ સહિત વઢવાણના વસાડી, સાયલા અને ધ્રાંગધ્રામાં એક-એક કેસ નોંધાતા લોકોમાં ફફડાટ અને તંત્રમાં દોડધામ, જિલ્લામાં કુલ કેસનો આંક ૨૯૮
સુરેન્દ્રનગર, તા.11 જુલાઇ 2020, શનિવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને જિલ્લા સહિત શહેરી વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ૧૬ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાયા હતાં જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ સરેરાશ ૧૦ થી ૧૨ પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં વધુ ૧૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જેમાં શહેરના જોરાવરનગર ડી.એન.ટી. હાઈસ્કૂલ પાસે રહેતાં ૩૨ વર્ષના પુરૂષ, જીનતાન રોડ સંસ્કાર સોસાયટી પાસે રહેતાં ૫૫ વર્ષના પુરૂષ અને ૫૩ વર્ષની મહિલા, વિશ્વકુંજ સોસાયટી રતનપર વિસ્તારમાં રહેતાં ૬૦ વર્ષના પુરૂષ તથા કડીયા સોસાયટી અંબા મિકેનીક પાછળ રહેતાં ૧૮ વર્ષના પુરૂષ, ૧૨ વર્ષની યુવતી, ૯ વર્ષની બાળકી, જોરાવરનગર ખાતે ૬૬ વર્ષની મહિલા, ચિત્રકુટ પાર્કમાં ૫૨ વર્ષના પુરૂષ, બસ સ્ટેન્ડ રોડ પર ૪૪ વર્ષના પુરૂષ, દાળમીલ રોડ પર ૫૯ વર્ષના પુરૂષ, વકીલ સોસાયટીમાં ૪૮ વર્ષના પુરૂષ અને વઢવાણમાં ૫૫ વર્ષની મહિલા સહિત ૧૨ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો હતો.
જ્યારે વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રહેતાં ૩૩ વર્ષના યુવક, સાયલા ખાતે ૪૭ વર્ષના પુરૂષ, ધ્રાંગધ્રા ખાતે ૪૬ વર્ષના પુરૂષ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ૩ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આમ જિલ્લામાં વધુ ૧૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જ્યારે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૨૯૮ ઉપર પહોંચ્યો હતો અને આરોગ્ય વિભાગની ટીમે તમામ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં જઈ સંપર્કમાં આવેલ લોકોને ક્વોરન્ટાઈન કર્યા હતાં અને આસપાસના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કર્યા હતાં.