સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ
- સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણમાં આઠ લીંબડી, ધ્રાંગધ્રા અને પાટડી તાલુકામાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા
સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી, તા.8 જુલાઈ 2020, બુધવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ૧૫ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૧૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં.
જેમાં શહેરી રતનપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં ૩૨ વર્ષના પુરૃષ, ૨૯ વર્ષની મહિલા, ૫૫ વર્ષની વૃધ્ધ મહિલા, જોરાવરનગર લાતી બજાર શેરી નં.૩માં ૨૧ વર્ષના યુવક, જોરાવરનગર મહાવિર પાર્કમાં ૪૯ વર્ષના પુરૃષ, જોરાવરનગર દિવ્યા ચેમ્બરમાં ૭૪ વર્ષના આધેડ પુરૃષ, સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ ૫૨ વર્ષના પુરૃષ અને દાળમીલ રોડ પર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતાં ૨૭ વર્ષના યુવક સહિત ૮ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો હતો.
જ્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતાં ૩ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો હતો જેમાં ધ્રાંગધ્રાના તલાવ શેરી વિસ્તારમાં રહેતાં ૨૯ વર્ષના જયરાજ પ્રફુલ્લભાઈ શેઠ, હળવદ રોડ વૃંદાવન પાર્કમાં રહેતાં ૩૨ વર્ષના મેહુલકુમાર ચાવડા અને ઓમેક્ષ કંપનીમાં ફરજ બજાવતી ૪૦ વર્ષીય મહિલા સેરલી જોસફને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જ્યારે લીંબડી શહેરી વિસ્તારમાં પણ ૩ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યાં હતાં જેમાં રાજેશભાઈ જગમાલભાઈ ટાંક ઉ.વ.૩૮ રહે.હોસ્પીટલ પાસે, અક્ષયભાઈ રમેશભાઈ પરીખ ઉ.વ.૨૨ રહે.મોટા દેરાસર પાસે તથા કિરિટભાઈ મણીલાલ શાહ ઉ.વ.૬૩ રહે.રામદર્શન ટેર્નામેન્ટવાળાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જ્યારે પાટડી તાલુકાના જૈનાબાદ ખાતે રહેતાં ગુલાબમયુદ્દીન ઈસ્માઈલભાઈ કુરેશી ઉ.વ.૨૬ વાળાને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો.
છેલ્લા ૮-૧૦ દિવસથી તેઓ બિમાર હતાં અને રીપોર્ટ પોઝીટીવ આવ્યાં બાદ આરોગ્ય વિભાગની ટીમ આવી પહોંચી હતી અને તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યારે મામલતદાર કે.એસ.પટેલ, ટીએચઓ ડો.રાજકુમાર તથા પોલીસ તંત્ર આવી પહોંચ્યું હતું અને ૧૩ જેટલાં ઘરોમાં રહેતાં ૭૦ લોકોને કન્ટેઈનમેન્ટ ઝોન જોહર કર્યા હતાં. જ્યારે તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર અને લીંબડી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
આમ છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી અને લીંબડી તાલુકામાં ૧૫ જેટલાં વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જ્યારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૨૬૨ ઉપર પહોંચ્યો હતો.