હળવદ તાલુકાના મિયાણી ગામે વીજળી પડતા 12 ઘેટાંના મોત, 3 ઘાયલ
- ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
- માલધારી પરિવારે મહામૂલા પશુઓ ગુમાવતા ચિંતાતુર : વહીવટી તંત્રએ દોડી જઈ તપાસ હાથ ધરી
હળવદ, તા. 30 જુલાઇ 2020, ગુરૂવાર
હળવદ પથંકમાં ગુરૂવારે સાંજે ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી, સતત ધાબડીયા વાતાવરણ ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો, ત્યારે હળવદ તાલુકાનાના મીયાણી ગામે વીજળી પડતા ૧૨ ઘેટાનાં કરૂણ મોત થયા હતા, જયારે ૩ ઘેટા ધાયલ થયા હતા.
ગુરુવારે સાંજે હળવદ પંથકમાં મેઘો મંડયો હતો અને વરસાદી વાતાવરણ રચાયું હતું ત્યારે હળવદ તાલુકાના મિયાણી ગામે જોરદાર પવન કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે ગામની તળાવની પાળ પર બેઠેલા ગાડેરા (ઘેટા) પર અચાનક વીજળી પડતાં ૧૨ ઘેટાના ધટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યું હતું અને ત્રણ ઘેટા ઘાયલ થયા હતા.
વીજળી પડતા મુત્યુ પામનાર ગાડેરાના માલીક માલધારી વાલાભાઈ ભરવાડ જણાવ્યું હતું કે મોડી સાંજના તળાવની પાળ ઉપર ઝાડ નીચે અમારા ગાડેરા બેઠા હતા ત્યારે અચાનક કડાકા ભડાકા, ગાજવીજ સાથે વીજળી પડતાં બાર ધેટાઓના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યાંહતાં જ્યારે અન્ય ત્રણ ઘેટા ઘાયલ થયા હતા, ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો તથા ગ્રામજનોના ટોળે ટોળાં બનાવ સ્થળે દોડી ગયા, તંત્ર એ તજવીજ હાથ ધરી હતી.