સુરેન્દ્રનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 10 કેસ
- જિલ્લામાં આતંક મચાવતાં કોરોનાનો આંક 125 પર પહોંચ્યો
- શહેરના પાંચ વિસ્તારો ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં બે સહિત લીંબડી શહેરમાં ત્રણ કેસ નોંધાયા
સુરેન્દ્રનગર, તા. 27 જૂન 2020, શનિવાર
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ૧૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે આરોગ્ય વિભાગે આ અંગે આગળની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૧૦ કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાયા હતાં જેમાં શહેરની ડાયમંડ સોસાયટીમાં રહેતાં અહેમદભાઈ જીગરભાઈ બાધવાણી ઉ.વ.૫૫, સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં ફરજ બજાવતાં ડો.તૃપલ દેસાઈ ઉ.વ.૨૫, વિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ મકનજી ફોજદારની શેરીમાં રહેતાં ગીતાબેન વિનોદભાઈ સુખડીયા ઉ.વ.૬૦, રતનપર વિસ્તારમાં એક, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એક સહિત પાંચ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યાં હતાં.
આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ખાતે રહેતાં અને બે દિવસ પહેલા કોરોનાથી મૃત્યુ પામેલ દેવાંગ પટેલના પત્ની કુંજલબેન પટેલ તથા પુત્ર ધૃ્રવ પટેલ તેમજ લીંબડી શહેરી વિસ્તારમાં રહેતાં ગીતાબેન ધર્મેશભાઈ ડાભી રહે.લાતીપરા તથા પ્રફુલચંદ્ર ભોગીલાલ ધૃ્રવ, કનકબેન પ્રફુલભાઈ ધૃ્રવ બંન્ને રહે.મોરભાઈના ડેલા લીંબડીવાળાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
જ્યારે તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૧૨૫ ઉપર પહોંચ્યો હતો. જ્યારે આરોગ્ય વિભાગે તમામ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં જઈ સંપર્કમાં આવેલ લોકોને ક્વોરનટાઈન કર્યા હતાં તેમજ સ્થાનિક વિસ્તારો સહિત આસપાસના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન, બફર ઝોન જાહેર કરી સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરી હતી.