બગોદરા હાઈ-વે ઉપર ખાડામાં કાર ખાબકતા 1નું મોત, 3 ઈજાગ્રસ્ત
- સિક્સ લેન હાઈ-વે પર માટી પુરાણ ન થવાના કારણે અકસ્માત સર્જાયો, ઈજાગ્રસ્તોને બગોદરા ખસેડાયા
બગોદરા, તા. 11 જુલાઇ 2020, શનિવાર
અમદાવાદ જિલ્લાના હાઈવે સહિત મુખ્ય માર્ગો પર દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે બગોદરા હાઈવે પર પાણીના ખાડામાં કાર ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બગોદરા હાઈવે પર આવેલ મંગલમંદિર સેવા આશ્રમ સામે હાલ અમદાવાદ-રાજકોટ હાઈવેને સીક્સ લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા સમયથી માટી પુરાણ કરવામાં નહિં આવતાં રોડ ન બનતાં ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહે છે. ત્યારે અમદાવાદથી મેહુલભાઈ હરેશભાઈ શાહ ઉ.વ.૩૫ તથા તેમના પરિવારના અન્ય ત્રણ લોકો લઈ જુનાગઢ ખાતે સગપણ માટે છોકરી જોવા કારમાં જઈ રહ્યાં હતાં. ત્યારે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં પાણી ભરેલા ખાડામાં કાર ખાબકી હતી જેમાં ચાલક મેહુલભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ જેટલાં વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે આ અંગેની જાણ થતાં માનવસેવાના મંદબુધ્ધિના લોકો સહિત આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠીયા સહિતનાઓએ ખાડામાં ઉંધી પડેલ કારને સીધી કરી ઈજાગ્રસ્તોને બહાર કાઢી આશ્રમની એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ બનાવની જાણ થતાં બગોદરા પોલીસ મથકના એએસઆઈ કિશોરસિંહ, આરીફભાઈ સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને મૃતકની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી. જ્યારે અકસ્માતમાં સગપણ જોવા માટે જઈ રહેલ યુવકનું જ મોત નીપજતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.