દિવાળી વેકેશનમાં સુરત પાલિકાના નેચરપાર્કના દરવાજા સોમવારે પણ ખુલ્લા રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Nature Park : દિવાળી વેકેશનમાં પરિવાર સાથે ફરવા નીકળતા સુરતીઓ માટે ખુશખબર છે. વેકેશન દરમિયાન પ્રાણીસંગ્રહાલયની મુલાકાતે આવતા લોકોની સંખ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ નેચરપાર્કના સાપ્તાહિક રજા દિવસમાં વિશેષ ફેરફાર કર્યો છે. સામાન્ય દિવસોમાં દર સોમવારે બંધ રહેતું સુરતનું પ્રાણીસંગ્રહાલય દિવાળી વેકેશન દરમિયાન સોમવારે પણ મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાલિકાની જાહેરાત મુજબ, તા.5 નવેમ્બરથી તા.25 નવેમ્બર, 2026 સુધીના દિવાળી વેકેશનના સમયગાળા દરમિયાન આવતા સોમવારે પણ નેચરપાર્ક જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. સામાન્ય રીતે પ્રાણીસંગ્રહાલયમાં જાળવણી અને અન્ય વ્યવસ્થાઓ માટે સોમવારનો દિવસ સાપ્તાહિક રજા તરીકે રાખવામાં આવે છે. જોકે, દિવાળી વેકેશનમાં બાળકો સહિત પરિવારજનો મોટી સંખ્યામાં ફરવા નીકળતા હોવાથી મુલાકાતીઓને વધુ એક દિવસ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેવાની તક મળી રહે તે હેતુથી આ નિર્ણય કરાયો છે.
દિવાળી વેકેશન દરમિયાન બાળકોને વન્યજીવો અને પ્રકૃતિ વિશે જાણવાની સાથે વિવિધ પ્રાણીઓ તથા પક્ષીઓને નજીકથી નિહાળવાની તક મળશે. ખાસ કરીને વેકેશનમાં પરિવાર સાથે ફરવા માટે નેચરપાર્ક એક આકર્ષણનું સ્થળ બની રહેતું હોવાથી સોમવારે પણ ખુલ્લું રાખવાના નિર્ણયથી મુલાકાતીઓને સુવિધા મળશે.




