Surat

સુરત: બ્રિજની કામગીરી દરમિયાન અંદાજે 40 ફૂટ ઊંડો ખાડો ખોદતાં રોડ બેસી ગયો

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતના સીમાડા વિસ્તારમાં ખાડી પર નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન રોડ બેસી જતાં બાજુની દુકાનનો આગળનો ભાગ ધરાશાયી થઈ ખાડીમાં તૂટી પડ્યો હતો. સદનસીબે દુકાનમાં કામ કરતા કારીગરોના જીવ બચી ગયા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ ફેલાયો હતો. બ્રિજ સેલ દ્વારા જવાબદાર ઈજારદાર મંગલમ બિલ્ડકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.ને નોટિસ ફટકારવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: બ્રિજની કામગીરી દરમિયાન અંદાજે 40 ફૂટ ઊંડો ખાડો ખોદતાં રોડ બેસી ગયો

Surt: સુરતના સીમાડા વિસ્તારમાં ખાડી પર નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન રોડ બેસી જતાં બાજુમાં આવેલી દુકાનનો આગળનો ભાગ ધરાશાયી થઈને ખાડીમાં તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં દુકાનમાં કામ કરતા કારીગરોના જીવ માંડ માંડ બચ્યા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ ફેલાયો હતો. દરમિયાન દુકાનને વધુ નુકસાન ન પહોંચે તે માટે પાલિકાના બ્રિજ સેલ, હાઇડ્રોલિક વિભાગ અને સરથાણા ઝોનના અધિકારીઓએ મોડી રાત સુધી કામગીરી હાથ ધરી હતી. રાત્રે 2.30 વાગ્યા સુધી ચાલેલી કામગીરી બાદ બેદરકારીના આક્ષેપો વચ્ચે બ્રિજ સેલ દ્વારા જવાબદાર ઈજારદાર મંગલમ બિલ્ડકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.ને નોટિસ ફટકારવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સીમાડા વિસ્તારમાં ખાડી પર બ્રિજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ગત મોડી સાંજે એન્જલ સિરામિક નામની દુકાનની બાજુમાં અંદાજે 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. તેના પગલે નજીકનો રોડ બેસી જતાં દુકાનની દિવાલ અને આગળનો ભાગ ધરાશાયી થઈને ખાડીમાં તૂટી પડ્યો હતો. અચાનક બનેલી ઘટનાથી દુકાનમાં કામ કરી રહેલા કારીગરો અને મિલકતધારકમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થળ પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં.

બીજી તરફ, ખોદકામ દરમિયાન પીવાના પાણીની લાઈનને પણ નુકસાન પહોંચતાં હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. સ્થિતિ વધુ વણસે નહીં અને દુકાનના બાકી રહેલા ભાગને નુકસાન ન પહોંચે તે માટે બ્રિજ સેલ અને સરથાણા ઝોનના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. નુકસાનગ્રસ્ત પાણીની લાઈનને પણ તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવી હતી.મોડી રાતના 2.30 વાગ્યા સુધી અધિકારીઓની હાજરીમાં કામગીરી ચાલી હતી. દુકાનને વધુ નુકસાન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બ્રિજ સેલ દ્વારા ઈજારદાર મંગલમ બિલ્ડકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.ને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, દુર્ઘટનાને પગલે દુકાનને થયેલા નુકસાન અને કામગીરીમાં રહેલી ક્ષતિ અંગેની વધુ વિગતો નોટિસના જવાબ અને તંત્રની તપાસ બાદ સ્પષ્ટ થશે.