સુરત: સોશિયલ મીડિયામાં વ્યૂઝ મેળવવા 'TTE' બની યુવકે મુસાફરો પર રોફ જમાવ્યો! વીડિયો વાયરલ થતાં રેલવે પોલીસે કરી અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Railway Station Fake TTE Viral Video: સુરતમાં એક યુવાને સોશિયલ મીડિયામાં વ્યૂઝ મેળવવાના ચક્કરમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 02 પર TTE જેવા કપડાં પહેરી મુસાફરોની ટિકિટ તપાસતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જો કે, વીડિયો ધ્યાને આવતા સુરત રેલવે પોલીસ(GRP) અને RPF દ્વારા સંયુક્ત ઓપરેશન બાદ યુવકને પકડી પાડવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં વ્યૂઝ મેળવવા 'TTE' બની યુવકનો મુસાફરો પર રોફ!
ઘટના એમ છે કે, ગત 22 ઑક્ટોબરના રોજ 'X' પર સુરત રેલવે સ્ટેશન વિસ્તારનો એક શંકાસ્પદ વીડિયો વાયરલ થયો હોવાની ફરિયાદ મળી હતી. આ વીડિયોમાં એક યુવક સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 02 પર રેલવેના TTE જેવા વસ્ત્રો પહેરી મુસાફરો પાસે ટિકિટ માગી રોફ જમાવતો સ્પષ્ટ દેખાયો હતો. સામાન્ય મુસાફરો પર ખોટો રોફ જમાવી, તેમને દંડની ધમકી આપીને કેટલાક મુસાફરોને પગે પડવા મજબૂર કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થતાં રેલવે પોલીસે યુવકને ઝડપી પાડ્યો
વાયરલ વીડિયોની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, 'chillboy_92' નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને યુટ્યુબ આઇડી પરથી પ્લેટફોર્મ નંબર 02 પર મુસાફરોની ટિકિટ ચેક કરતો વીડિયો અપલોડ કરાયો હતો. મામલાની ગંભીરતા જોઈને સુરત રેલવે પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમે સુરતના લિંબાયત-ઉધના વિસ્તારમાંથી વીડિયો બનાવનાર આરોપી સમીઉલ્લાહ શેખ (ઉં.વ. 25, રહે. મહાપ્રભુ નગર, લિંબાયત-ઉધના, સુરત) ઝડપી પાડ્યો હતો.
સોશિયલ મીડિયામાં વ્યૂઝ મેળવવા બનાવ્યો વીડિયો
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, '18 ઑક્ટોબરના રોજ સુરત રેલવે સ્ટેશન પર TTE જેવા કપડા પહેરી મુસાફરો પાસે ટિકિટ માગી વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયો માત્ર મનોરંજન અને કન્ટેન્ટ બનાવવાના હેતુથી બનાવ્યો હતો અને મુસાફરો પાસેથી કોઈ નાણાં પડાવ્યા નહોતા. માત્ર સોશિયલ મીડિયા પર મનોરંજન પૂરું પાડી વ્યૂઝ મેળવવા માટે આ હરકત કરી હતી.'
સુરક્ષાની દૃષ્ટિએ આ રીતનો વીડિયો બનાવવો અને મુસાફરો સાથે છેડછાડ કરવી ગંભીર ગુનો ગણાતા સ્ટેશન પરિસરમાં ગેરકાયદે પ્રવેશ અને મુસાફરોને ગેર માર્ગે દોરવા બદલ RPF પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ રેલવે અધિનિયમની કલમ 145(2)(a) અને 147 RA હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




