Surat

સુરત: પાલિકાના અધિકારીઓ શાસકોને અંધારામાં રાખી રહ્યા હોવાનો આક્ષેપ

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતમાં પાલિકાના અધિકારીઓ દ્વારા શાસકોને અંધારામાં રાખી, 100 કરોડનો વધારાનો આર્થિક બોજ ઊભો કરાતો હોવાના આક્ષેપો થયા છે. સરથાણા ઝોનના વાલક અને સણિયા હેમાદમાં 5-6 કિલોમીટરના અંતરે બે અલગ STP બનાવવાની યોજના સામે સવાલો ઉઠ્યા છે. જો સંયુક્ત પ્લાન્ટ બને તો 100 કરોડ રૂપિયા બચી શકે છે. આ મામલે પાલિકામાં પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: પાલિકાના અધિકારીઓ શાસકોને અંધારામાં રાખી રહ્યા હોવાનો આક્ષેપ

Surat: પાલિકાના કેટલાક અધિકારીઓ શાસકોને અંધારામાં રાખીને પાલિકા પર વધારાનો આર્થિક બોજ ઊભો કરી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે સરથાણા ઝોનના બે ડ્રેનેજ પ્રોજેક્ટ ચર્ચામાં આવ્યા છે. વાલક અને સણિયા હેમાદ માં માત્ર પાંચથી છ કિલોમીટરના અંતરે બે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) બનાવવાના આયોજન સામે સવાલો ઉઠ્યા છે. બંને પ્રોજેક્ટનું સંયુક્ત આયોજન કરવામાં આવે તો અંદાજે 100 કરોડ રૂપિયાની બચત થઈ શકે તેવી રજૂઆત પુરાવા સાથે પાલિકામાં કરવામાં આવી છે.

પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા સરથાણા ઝોનના વાલક ખાતે 129.94 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે 100 એમએલડી ક્ષમતાનો એસટીપી બનાવવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં પ્લાન્ટના બાંધકામ ઉપરાંત આગામી 10 વર્ષ સુધી તેના સંચાલન અને જાળવણી ની કામગીરીનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, સણિયા હેમાદ ખાતે 42 એમએલડી ક્ષમતાનો અલગ એસટીપી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને સ્થળ વચ્ચેનું અંતર ઓછું હોવાથી બે અલગ પ્લાન્ટ બનાવવાને બદલે એક જ સ્થળે 142 એમએલડી ક્ષમતાના સંયુક્ત પ્લાન્ટ ની શક્યતા ચકાસવાની માંગ ઉઠી છે.

આ અંગે પાલિકાને કરવામાં આવેલી રજૂઆતમાં ટેન્ડર ના દસ્તાવેજો, સેટેલાઇટ નકશા, ડ્રેનેજ જોડાણના નેટવર્ક અને ખર્ચના વિશ્લેષણનો આધાર લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. બંને પ્રોજેક્ટનું એકીકૃત આયોજન કરવામાં આવે તો બાંધકામ અને અન્ય ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ શકે છે.

રજૂઆતમાં અંદાજે 100 કરોડ રૂપિયાની બચત ની શક્યતા દર્શાવીને અલગ-અલગ પ્લાન્ટ બનાવવાની જરૂરિયાત અને તેની પાછળના કારણોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ડ્રેનેજ જેવા મોટા ખર્ચના પ્રોજેક્ટમાં આયોજનના તબક્કે જ વિવિધ વિકલ્પો ની સરખામણી કરીને આર્થિક રીતે ફાયદાકારક રસ્તો અપનાવવો જરૂરી છે. ત્યારે નજીકના અંતરે બે પ્લાન્ટ બનાવવાની તૈયારી વચ્ચે સંયુક્ત આયોજનના વિકલ્પની પૂરતી તપાસ કરવામાં આવી છે કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે. ખર્ચ બચત ની શક્યતા હોવા છતાં શાસકોને તેની જાણ કરવામાં આવી નથી અને અધિકારીઓના આયોજનને કારણે પાલિકા પર વધારાનો આર્થિક બોજ ઊભો થઈ રહ્યો છે કે કેમ તેની તપાસ કરવાની માગ પણ રજૂઆતમાં કરવામાં આવી છે.