Surat

સુરત: પૂર દરમિયાન સેવાભાવી સંસ્થાઓની સેવા વચ્ચે પાલિકાના ખર્ચનો હિસાબ ચર્ચામાં

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતમાં જુલાઈ માસમાં 3 વખત આવેલા ખાડી પૂરથી લિંબાયત ઝોનમાં જળબંબાકાર થયો હતો. સેંકડો પરિવારોને રાહત કેન્દ્રોમાં આશ્રય લેવો પડ્યો હતો. પાલિકાના લિંબાયત ઝોને પૂરગ્રસ્તો માટે ભોજન પાછળ અંદાજે 60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ ચર્ચાનો વિષય બન્યો છે. 10 રાહત કેન્દ્રોમાં પૂરી-શાક, ખીચડી અને નાસ્તો અપાયો હતો, જેમાં પ્રત્યેક ડિશનો ખર્ચ 40 રૂપિયા થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: પૂર દરમિયાન  સેવાભાવી સંસ્થાઓની સેવા વચ્ચે પાલિકાના ખર્ચનો હિસાબ ચર્ચામાં

Surat: જુલાઈ મહિનામાં સુરતમાં ત્રણ વખત આવેલા ખાડી પૂરને કારણે લિંબાયત ઝોનના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાડીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતાં સેંકડો પરિવારોને ઘર છોડીને રાહત કેન્દ્રોમાં આશરો લેવાની ફરજ પડી હતી. આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોને ભોજન પૂરું પાડવા અનેક સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી હતી. બીજી તરફ, સુરત પાલિકાના લિંબાયત ઝોન દ્વારા પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટ અને ભોજનની વ્યવસ્થા પાછળ અંદાજે 60 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. જોકે, આ વર્ષે જુલાઈ મહિનામાં જ ત્રણ વખત ખાડી પૂરની સ્થિતિ ઊભી થતાં લિંબાયત સહિતના વિસ્તારોમાં નાગરિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 7 જુલાઈના રોજ સુરત શહેર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મીઠી ખાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ત્યારબાદ ૨૨ જુલાઈએ ભારે વરસાદને કારણે ફરી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મહિનાના અંતે 31 જુલાઈએ પણ ખાડીનાં પાણી રહેણાક વિસ્તારમાં ફરી વળતાં અનેક પરિવારો પ્રભાવિત થયા હતા.

ખાડી પૂર દરમિયાન સરકારી તંત્રની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો પણ અસરગ્રસ્તોની મદદે આવ્યા હતા. પૂરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ કરવા ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારોને ભોજન સહિતની સહાય પૂરી પાડવામાં આવી હતી. કુદરતી આફતના સમયે વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિ થી અસરગ્રસ્તોને રાહત મળી હતી. બીજી તરફ, લિંબાયત ઝોન દ્વારા ભોજનની વ્યવસ્થા પાછળ કરવામાં આવેલા 60 લાખ રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યો હતો તે ચર્ચાનો વિષય બન્યો છે.

લિંબાયત ઝોનમાં 7થી 14 જુલાઈ, 22થી 28 જુલાઈ અને ત્યારબાદ 31 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીના સમયગાળામાં કાર્યરત કરાયેલાં 10 રાહત કેન્દ્રોમાં આશરો લેનારા અસરગ્રસ્ત પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલિકા દ્વારા પૂરગ્રસ્તોને પુરી-શાક, વઘારેલી ખીચડી અને સૂકો નાસ્તો પૂરો પાડવામાં આવ્યો હતો. આ વ્યવસ્થા પાછળ અંદાજે ૬૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ભોજનની પ્રત્યેક ડિશ પાછળ અંદાજે 40 રૂપિયાનો ખર્ચ થયો હતો તેની દરખાસ્ત શાસકો સમક્ષ રજુ કરવામાં આવી છે.