સુરત: ગત વર્ષે માવામાં ભેળસેળની બૂમ, આ વર્ષે ઘારીના માવાની તપાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરતમાં ગત વર્ષે ઘારી બનાવવા વપરાતા માવામાં ભેળસેળની બૂમ ઉઠ્યા બાદ આ વર્ષે ચંદની પડવાના તહેવાર પહેલા જ પાલિકાના ફૂડ વિભાગે તપાસ તેજ કરી છે. દશેરામાં ફાફડા-જલેબીના તમામ નમૂના લેબોરેટરી ટેસ્ટમાં પાસ થયા બાદ હવે ઘારી બનાવવા ઉપયોગમાં લેવાતા માવાની ગુણવત્તાની ચકાસણી શરૂ કરવામાં આવી છે. પાલિકાની 15 જેટલી ટીમોએ ભાગળ, વરાછા, કતારગામ, ઘોડદોડ રોડ અને રાંદેર સહિતના વિસ્તારોમાં માવાનું વેચાણ કરતી દુકાનો માંથી નમૂના ભેદા કરી પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરી છે. નમૂનાઓના લેબોરેટરી ટેસ્ટ માં નિષ્ફળ જશે તો વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં ચંદની પડવા ના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સુરતીઓ મોટા પ્રમાણમાં ઘારી અને ભૂસું આરોગતા હોવાથી શહેરમાં ધારી નું ઉત્પાદન અને વેચાણ વધે છે. ઘારી બનાવવામાં માવો મુખ્ય ઘટક હોવાથી તહેવારના દિવસોમાં તેની માગમાં પણ વધારો થાય છે. આ સ્થિતિમાં માવાની ગુણવત્તા જળવાઈ રહે અને ભેળસેળયુક્ત માવાના ઉપયોગથી લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું ન થાય તે હેતુથી ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે.
આરોગ્ય વિભાગની ટીમોએ સવારથી જ વિવિધ વિસ્તારોમાં માવાનું વેચાણ કરતી દુકાનો માં તપાસ કરીને નમૂના ભેગા કરવાની કામગીરી કરી હતી. બપોર સુધી ચાલેલી આ કામગીરી બાદ એકત્ર કરેલા નમૂના ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નમૂનાઓના અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો નમૂના નિષ્ફળ જશે અથવા માવામાં ભેળસેળ જણાશે તો સંબંધિત વેપારીઓ સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની તપાસ ચાલુ રાખવામાં આવશે.
બીજી તરફ, દશેરાના તહેવાર દરમિયાન ફાફડા-જલેબીના નમૂના લઈને કરવામાં આવેલી ચકાસણીમાં તમામ નમુના પાસ થયા હતા. હવે ચંદની પડવા પહેલાં ઘારી બનાવવા માટે વપરાતા માવાના નમૂના નો અહેવાલ પર નજર રહેશે. તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોની માંગ વધતી હોવાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તંત્રની તપાસ મહત્વપૂર્ણ બની છે.
ગત વર્ષે આઠ સંસ્થાના માવામાં વેજિટેબલ ફેટનું વધુ પ્રમાણ મળ્યું
ગત વર્ષે પાલિકાના ફૂડ વિભાગે દૂધના માવાનાં લીધેલાં 22 નમૂનામાંથી 10 નમૂના લેબોરેટરી પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા. આઠ સંસ્થાના માવામાં વેજિટેબલ ફેટનું પ્રમાણ નિયત ધોરણ કરતાં વધુ મળી આવ્યું હતું. આ મામલે સંબંધિત સંસ્થાઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગત વર્ષે માવામાં વેજિટેબલ ફેટનું વધુ પ્રમાણ મળી આવતાં મીઠાઈ બનાવવા માટે વપરાતા માવાની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા હતા. આ વખતે તહેવાર પહેલાં જ પાલિકાના ફૂડ વિભાગે માવાના નમૂના એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલ્યા છે. હવે લેબોરેટરીના અહેવાલમાં માવાની ગુણવત્તા અંગે શું બહાર આવે છે અને કોઈ નમૂના નિષ્ફળ જાય છે કે કેમ તેના પર નજર રહેશે.
2025માં આ આઠ સંસ્થાના દુધના માવાના સેમ્પલ નિષ્ફળ ગયાં હતા
-શંકરલાલ માવાવાલા (તરતિયા હનુમાન મંદિરની પાસે, હરીપુરા),
-શ્રી કૃષ્ણ માવા ભંડાર ( ખાંડવાલા ની શેરી, વાડી ફળિયા, અંબાજી રોડ),
-શ્રી ગણેશ ડેરી અને મીઠાઈ (રાધેશ્યામ કોમ્પ્લેક્સ, આશાનગર-2, ઉધના),
-જય અંબે માવા ભંડાર ( ચાચવા શેરી, નાની છીપવાડ, અંબાજી રોડ),
-અંબા શંકર માવા ભંડાર ગોપી શેરી, બરાનપુરી ભાગળ),
-શ્રી કૃષ્ણ ડેરી ( ભગુ નગર સોસાયટી, એલ.એચ.રોડ, વરાછા),
-નંદકિશોર એસ માવાવાલા (કોટ સફીલ રોડ, દેના બેંકની સામે)
અમૃત ડેરી ફાર્મ (ધનમોરા કોમ્પ્લેક્સ-ડી, સિંગણપોર રોડ, કતારગામ)




