Surat

સુરત શિક્ષણ સમિતિની રાસ-ગરબા સ્પર્ધા શિક્ષકો માટે ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી સ્થિતિ

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રાસ-ગરબા સ્પર્ધામાં શિક્ષકોને આખો દિવસ હાજર રહેવા ફરજ પાડતા વિવાદ થયો છે. વરાછાના સરદાર સ્મૃતિ ભવનમાં આજે સવારથી શરૂ થયેલી આ સ્પર્ધામાં દરેક શાળામાંથી 2 શિક્ષકોને કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકી રખાશે. પરીક્ષા નજીક હોવા છતાં અભ્યાસક્રમ બાકી હોવાથી શિક્ષકોમાં કચવાટ છે, જે શિક્ષણકાર્ય પર અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત શિક્ષણ સમિતિની રાસ-ગરબા સ્પર્ધા શિક્ષકો માટે ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી સ્થિતિ

Surat News : આગામી 22મીથી પરીક્ષાઓ નજીક આવી રહી છે, ત્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રાસ-ગરબા અને લોકનૃત્યની ફાઈનલ સ્પર્ધામાં શિક્ષકોને આખો દિવસ હાજર રહેવા ફરજ પાડવાના નિર્ણયથી શિક્ષકોમાં કકળાટ ઊભો થયો છે. એક તરફ શાળાઓમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાની અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરવાની કામગીરી બાકી હોવાની ફરિયાદ છે, તો બીજી તરફ દરેક શાળામાંથી બે શૈક્ષણિક કર્મચારીને કાર્યક્રમ શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેવા આદેશ અપાયો છે. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત અન્ય શાળાઓના શિક્ષકોને પણ કલાકો સુધી કાર્યક્રમમાં બેસી રહેવું પડે તેવી સ્થિતિ ડિજિટલ અરેસ્ટ’ બની રહી હોય તેવી ફરિયાદ થઈ રહી છે. મહેમાનોની હાજરીમાં ઓડિટોરિયમ ખાલી ન દેખાય તે માટે શિક્ષકોને રોકી રાખવામાં આવશે એવો કકળાટ પણ સાંભળવા મળી રહ્યો છે. 
સુરત શિક્ષણ સમિતિની રાસ ગરબા સ્પર્ધા આજે સવારથી વરાછાના સરદાર સ્મૃતિ ભવનમાં શરૂ થઈ છે. આ સ્પર્ધા પહેલા જાહેર કરેલા પરિપત્રથી જ વિવાદ ઉભો થયો છે. સમિતિ દ્વારા અગાઉ જારી કરાયેલા પરિપત્રમાં દરેક શાળામાંથી બે શૈક્ષણિક કર્મચારીને સ્પર્ધાની શરૂઆતથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમ સવારે 8.55 વાગ્યાથી શરૂ થવાનો હતો. તેના કારણે સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને વહેલી સવારે શાળાએ પહોંચવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શિક્ષકોના જણાવ્યા મુજબ, કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને સવારે સાત વાગ્યે જ બોલાવવામાં આવ્યા હતા. જેના કારણે 10 થી 12 કલાક સ્પર્ધામાં ભાગ લેનારા માટે ડીજીટલ એરેસ્ટ હોય તેવો ઘાટ થયો છે. 
આવી સ્પર્ધાથી બાળકોમાં રહેલી પ્રતિભા બહાર આવે છે પરંતુ તેના માટે આ સમય યોગ્ય ન હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. કારણ પરીક્ષાની નજીકનો સમય છે. શિક્ષકોના જણાવ્યા મુજબ, હજુ વિવિધ ધોરણોમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો બાકી છે અને વિદ્યાર્થીઓને પુનરાવર્તન કરાવવા માટે પણ સમય જરૂરી છે. આવી સ્થિતિમાં દરેક શાળામાંથી બે શિક્ષકોને કલાકો સુધી કાર્યક્રમમાં રોકી રાખવાથી વર્ગખંડમાં શિક્ષણકાર્ય અને શાળાના રોજિંદા સંચાલન પર અસર થઈ શકે છે. પરીક્ષાની તૈયારીના નિર્ણાયક સમયે શિક્ષકોને વર્ગખંડથી દૂર રાખવાને બદલે અભ્યાસક્રમ પૂર્ણ કરવા અને વિદ્યાર્થીઓની તૈયારી પર ધ્યાન આપવાની તક આપવી જોઈએ તેવું લોકોનું કહેવું છે. 
એટલું જ નહીં પરંતુ સ્પર્ધા પુરી સુધી બાદ શિક્ષકોએ કે સ્પર્ધકોએ બેસી રહેવાની તાકીદ કરવામાં આવી છે તેનું કારણ એ છે કે સાંજે ચાર વાગ્યા પછી મહેમાનોના ભાષણ અને ઈનામ વિતરણ કરાશે. કાર્યક્રમમાં મહેમાનો આવે ત્યારે ઓડિટોરિયમ ખાલી ન દેખાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમને અંત સુધી બેસી રહેવું પડશે. આ સ્થિતિના કારણે ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો બેસી રહેતા તેઓની હાલત દયનીય થઈ જશે તે નક્કી છે. આમ શિક્ષણ સમિતિના રાસ ગરબા સ્પર્ધાના કારણે વિવાદ ઉભો થયો છે.