Surat

સુરત પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં ગરબાને બ્રેક લાગતા રમતપ્રેમીઓને રાહત : 20 લાખના બેઝ પ્રાઈઝે પણ કોઈ આયોજક ન મળતા 4 વખત ટેન્ડર રદ

By GS Team
5 Oct 20263 mins read
TukuTouch Logo
સુરતમાં પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમને ગરબા માટે ભાડે આપવાની કવાયત આયોજકના અભાવે અટકી છે. 20 લાખના બેઝ પ્રાઈઝે પણ કોઈ આયોજક ન મળતા 4 વખત ટેન્ડર રદ થયા. અગાઉ ગરબાથી ફ્લોરિંગને નુકસાન થતા 30 કરોડનું રિનોવેશન કરવું પડ્યું હતું. હવે સ્ટેડિયમ ગરબા માટે નહીં જાય, જેથી રમતપ્રેમીઓમાં રાહત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં ગરબાને બ્રેક લાગતા રમતપ્રેમીઓને રાહત : 20 લાખના બેઝ પ્રાઈઝે પણ કોઈ આયોજક ન મળતા 4 વખત ટેન્ડર રદ

Surat News : સુરતમાં રમતગમત માટે બનાવાયેલા પાલિકાના ઈન્ડોર સ્ટેડિયમને ગરબા માટે ભાડે આપવાની કવાયત આ વખતે આયોજકના અભાવે જ અટકી ગઈ છે. એક સમયે એક કરોડ રૂપિયા સુધીની ઓફર મેળવનાર સ્ટેડિયમ માટે 20 લાખના બેઝ પ્રાઈઝે પણ કોઈ આયોજક તૈયાર થયો નહીં અને ચાર વખત ટેન્ડર છતાં 30 સપ્ટેમ્બર સુધી એક પણ ઓફર આવી નહીં. અગાઉ ગરબાના કારણે ફ્લોરીંગને નુકસાન થતાં 30 કરોડના ખર્ચે રિનોવેશન કરવું પડ્યું હતું. હવે સ્ટેડિયમ ગરબા માટે નહીં જાય તેનાથી રમતપ્રેમીઓમાં રાહત છે.
સુરતના ઈન્ડોર સ્ટેડિયમની રચના મુખ્યત્વે રમતગમતની પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઈવેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવી હતી. જોકે, એક તબક્કે નવરાત્રી દરમિયાન ગરબાના આયોજન માટે આ સ્ટેડિયમ મેળવવું આયોજકો માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગયું હતું. વર્ષ 2008-09 દરમિયાન નવરાત્રીના આયોજન માટે ઈન્ડોર સ્ટેડિયમને મહત્તમ એક કરોડ રૂપિયા સુધીની ઓફર મળ્યાની વિગતો સામે આવે છે. તે સમયે પાલિકા માટે મોટી આવકનું સાધન બનતું આ સ્ટેડિયમ ધીમે ધીમે રમતગમત કરતાં મનોરંજનના કાર્યક્રમો માટે વધુ ઉપયોગમાં લેવાતું થયું હતું. ગરબા સહિતના કાર્યક્રમો દરમિયાન સ્ટેડિયમના ફ્લોરીંગ પર મોટી સંખ્યામાં લોકો એકસાથે ઉપસ્થિત રહેતા હોવાથી ફ્લોરીંગને નુકસાન થયું હતું. સ્ટેડિયમમાં થયેલા અન્ય જરૂરી રિપેરિંગ કામોને પણ ધ્યાનમાં રાખીને વર્ષ 2013માં પાલિકાએ અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાવ્યું હતું. રિનોવેશન બાદ ફરી રમતગમતની પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી અને ઈન્ડોર સ્ટેડિયમનો મૂળ હેતુ જળવાઈ રહે તેવી અપેક્ષા હતી.
જોકે, ત્યારબાદ પણ નવરાત્રી દરમિયાન સ્ટેડિયમ ભાડે આપવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. રમતગમત સાથે સંકળાયેલા લોકોનો મુખ્ય વાંધો એ રહ્યો છે કે ગરબા માટે સ્ટેડિયમ આપ્યા બાદ ફ્લોરીંગ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ મરામત માટે સ્ટેડિયમ લાંબા સમય સુધી બંધ રહે છે. પરિણામે રમતવીરો અને વિવિધ રમતગમતની સંસ્થાઓને પણ તેની અસર ભોગવવી પડે છે. આ વર્ષે પાલિકાએ નવરાત્રીના દસ દિવસ માટે ઈન્ડોર સ્ટેડિયમ ભાડે આપવા બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા નક્કી કરી હતી. આ માટે પ્રથમ વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ કોઈ ઓફર મળી ન હતી. ત્યારબાદ પાલિકાએ ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને કુલ ચાર વખત આયોજકો પાસેથી ઓફર મંગાવવામાં આવી હતી.
અંતિમ પ્રયાસમાં 30 સપ્ટેમ્બર સુધીમાં ઓફર રજૂ કરવાની મુદત આપવામાં આવી હતી, પરંતુ તેમાં પણ એકપણ એજન્સી કે આયોજક આગળ આવ્યો નહીં. મહત્વની બાબત એ છે કે અગાઉ જ્યાં નવરાત્રી માટે ઈન્ડોર સ્ટેડિયમ મેળવવા માટે એક કરોડ રૂપિયા સુધીની ઓફર આવતી હતી, ત્યાં આ વર્ષે 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ હોવા છતાં કોઈ આયોજક તૈયાર ન થયો. આમ, સતત ત્રીજા વર્ષે ઈન્ડોર સ્ટેડિયમમાં નવરાત્રી યોજવા માટે આયોજકોમાં રસ જોવા મળ્યો નથી. અંતિમ ટેન્ડરની મુદત પણ પૂર્ણ થતાં હવે આ વર્ષે સ્ટેડિયમ ગરબા માટે ભાડે જાય તેવી શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
રમત માટેનું સ્ટેડિયમ રમત માટે જ રહે
ઈન્ડોર સ્ટેડિયમનો ઉપયોગ રમતગમતની જગ્યાએ મનોરંજનના કાર્યક્રમો માટે થતો હોવા સામે રમતપ્રેમીઓમાં લાંબા સમયથી નારાજગી જોવા મળી રહી છે. અગાઉ ગરબા સહિતના કાર્યક્રમોને કારણે સ્ટેડિયમના ફ્લોરીંગને નુકસાન થયું હતું અને ત્યારબાદ લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવું પડ્યું હતું. કાર્યક્રમો બાદ મરામત અને મેઈન્ટેનન્સ માટે સ્ટેડિયમ બંધ રહેતાં રમતવીરોની પ્રવૃત્તિઓને પણ અસર થતી હતી. રમતગમત સાથે સંકળાયેલા લોકોના મતે, પાલિકાએ જે હેતુથી ઈન્ડોર સ્ટેડિયમ બનાવ્યું છે તેનો જ ઉપયોગ થાય તે જરૂરી છે. મનોરંજનના કાર્યક્રમો માટે સ્ટેડિયમ ભાડે આપવાથી મળતી આવકની સામે ફ્લોરીંગ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન અને ત્યારબાદ થતો ખર્ચ પણ ધ્યાનમાં લેવો જોઈએ. આ વર્ષે ચાર વખત ટેન્ડર છતાં કોઈ આયોજક આગળ ન આવતા નવરાત્રી દરમિયાન સ્ટેડિયમ રમતગમતની પ્રવૃત્તિ માટે ઉપલબ્ધ રહેવાની શક્યતા છે, જેને રમતપ્રેમીઓ રાહતરૂપ માની રહ્યા છે.