શરદ પૂનમે સુરતને 410 કરોડનાં વિકાસકામોની ભેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: દેશના સૌથી ઝડપથી વિકસતાં શહેરોમાં સ્થાન ધરાવતા સુરતના શહેરી વિકાસને વધુ વેગ આપવાના આશય સાથે શરદ પૂર્ણિમાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતવાસીઓને 410 કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકામોની ભેટ આપી હતી. સુરત મહાનગરપાલિકા, સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) અને જિલ્લા વહીવટીતંત્રનાં કુલ 211.65 કરોડ રૂપિયાનાં 37 કામોનું લોકાર્પણ અને 198.72 કરોડ રૂપિયાનાં 13 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુરતને દેશ માટે શહેરી વિકાસનું રોલ મોડેલ ગણાવતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના લક્ષ્યાંકમાં સુરતનું સૌથી મોટું યોગદાન રહેશે. સાથે જ સુરત અને આસપાસના જિલ્લાઓને ગ્રોથ હબ તરીકે વિકસાવવાની નીતિ આયોગની યોજનાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરતને વધુ સુવિધાસભર, સ્વચ્છ, હરિયાળું અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ શહેર બનાવવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતને 'મિની ભારત'ની ઉપમા આપી છે. દેશનાં મોટાભાગનાં રાજ્યોના લોકો માટે સુરત રોજગાર અને વ્યવસાયની પ્રથમ પસંદગીનું શહેર બન્યું છે. ઔદ્યોગિક વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને કારણે સુરતે દેશના અગ્રણી વિકસતાં શહેરોમાં આગવું સ્થાન મેળવ્યું છે.
વડાપ્રધાનના શહેરી વિકાસના અભિગમનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શહેરીકરણને પડકારને બદલે તક તરીકે સ્વીકારીને સર્વાંગી શહેરી વિકાસનું મોડેલ અપનાવવામાં આવ્યું છે. તેના પરિણામે શહેરો દેશના વિકાસનાં એન્જિન બન્યાં છે. વડાપ્રધાનના જનસેવા અને રાષ્ટ્રસમર્પણના 25 વર્ષના કાર્યકાળ દરમિયાન વિકાસની રાજનીતિ અને સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને સુશાસનને નવી દિશા મળી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ચાર વર્ષમાં 4,363 કરોડથી વધુની ગ્રાન્ટ
ગુજરાતની સ્થાપનાનાં 50 વર્ષ નિમિત્તે વર્ષ 2010માં જાહેર કરાયેલી મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે દેશભરમાં દિશાદર્શક બની છે. આ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષમાં સુરત શહેરને 4,363 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ'ના મંત્ર સાથે વર્ષ 2025માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કરીને 30,000 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
સુરત ઇકોનોમિક રિજીયનથી વિકાસને નવી દિશા
સુરત જેવા આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રો વર્ષ 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી આયોજન કરવામાં આવી રહ્યું છે. નીતિ આયોગે સુરત અને આસપાસના જિલ્લાઓને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે 'સુરત ઇકોનોમિક રિજીયન'ની પહેલ કરી છે. આ આયોજન દ્વારા સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, વિકાસની નવી તકો ઊભી કરવા અને રોજગારીનું સર્જન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાની સાથે 34 લાખ નવી રોજગારીનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં સુરત જેવા ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્રોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.
સુરતના એસટીપી મોડેલથી દેશભરમાં 11 હજાર કરોડની બચત
ગંદા પાણીને શુદ્ધ કરી પુનઃ ઉપયોગમાં લેવાનું સુરતનું મોડેલ દેશ માટે બેન્ચમાર્ક બન્યું : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ
ગંદા પાણીને શુદ્ધ કરીને પુનઃ ઉપયોગમાં લેવાના ક્ષેત્રે સુરત મહાનગરપાલિકાએ વિકસાવેલું સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) મોડેલ હવે દેશભરમાં પથદર્શક બની રહ્યું છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરતના આ મોડેલને અપનાવીને ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ હેઠળ સ્થાપવામાં આવેલા એસ ટી પી પ્લાન્ટમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી જળશક્તિ બોર્ડ સહિત સમગ્ર દેશમાં આ મોડેલ લાગુ કરવાની હાકલ કરી છે.સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરતના એસટીપી પ્લાન્ટ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ અને ‘ટ્રિપલ આર’ એટલે કે રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝના સિદ્ધાંત પર આધારિત છે. ગંદા પાણીને શુદ્ધ કરીને તેનો પુનઃઉપયોગ કરવાથી પાણીના સંસાધનો નો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. સાથે જ ખર્ચમાં ઘટાડો થાય છે અને પાલિકાને આવકનો નવો સ્ત્રોત મળે છે. સુરતનું આ મોડેલ સમગ્ર દેશ માટે બેન્ચમાર્ક સાબિત થયું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન ના નેતૃત્વમાં લોકભાગીદારીથી દેશભરમાં 1.55 કરોડ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યાં છે, જેના પરિણામે 12 બિલિયન ક્યુબિક મીટરથી વધુ પાણી બચાવી શકાયું છે.
ગુજરાતમાં પણ પાણીની ઉપલબ્ધતા જાળવવા રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને ગુજરાતને પૂરતું પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવશે. ખાસ કરીને ખેડૂતોને રવિ પાક માટે પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે નક્કર વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.




