સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફિક જામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation Exposed: સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવતા ડિંડોલી વિસ્તારમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ તાજેતરમાં જ બનાવાયેલો રસ્તો અચાનક બેસી જતાં એક ડમ્પર તેમાં ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે પીક અવર્સ દરમિયાન સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સવારે અચાનક રોડ પર તિરાડો પડી ને ડમ્પર ખૂંપી ગયું
આ નબળી કામગીરીની અસર આજે સવારે પીક અવર્સ દરમિયાન જોવા મળી હતી. માર્ગ પર સવારે અચાનક મોટી તિરાડો દેખાવા લાગી હતી અને જોતજોતામાં રસ્તાનો એક મોટો ભાગ ધસી પડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલું એક ભારેભરખમ ડમ્પર રસ્તામાં ફસાઈ ગયું હતું. ડમ્પર ફસાઈ જવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો અને નોકરી-ધંધે તેમજ સ્કૂલે જતાં હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યા હતા.
યોગ્ય પુરાણ વિના જ બનાવી દીધો રોડ
મળતી માહિતી મુજબ, લિંબાયત ઝોન હેઠળની માનસી રેસિડેન્સીની સામે, પાણીની ટાંકી નજીક થોડા સમય પહેલાં જ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલી ટ્રેન્ચ (ખાડો) પુરવામાં પાલિકાના કોન્ટ્રાક્ટર અને તંત્રએ ઘોર બેદરકારી દાખવી હતી. યોગ્ય પુરાણ કર્યા વિના અને ટેકનિકલ ધોરણોનું પાલન કર્યા વગર જ તેના પર ઉતાવળે રોડ બનાવી દેવામાં આવ્યો હતો.
ભ્રષ્ટાચારના આક્ષેપ અને સ્થાનિકોનો આક્રોશ:
સ્થાનિક રહીશોએ પાલિકાની કામગીરી સામે તીખા સવાલો ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે ચોમાસું માથે છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ થોડા જ દિવસોમાં તૂટી જાય તે ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે. આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.
પાલિકા તંત્ર દોડતું થયું
ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફસાયેલા ડમ્પરને બહાર કાઢવા અને રસ્તાના તાકીદના સમારકામ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, તંત્રની આ ઢીલી અને લોલંલોલ કામગીરીને લઈને પ્રજામાં હજુ પણ ભારે રોષ વ્યાપેલો છે.








