Surat

દિવાળીમાં વતન જતા મુસાફરો માટે રાહત: સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે 9,100 એક્સ્ટ્રા બસો દોડશે

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
દિવાળી પર્વ નિમિત્તે સુરતથી વતન જતા સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના મુસાફરો માટે GSRTCએ 9100 વધારાની બસોનું આયોજન કર્યું છે. 4 થી 9 નવેમ્બર દરમિયાન સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ધામડકા હાઈવે સહિતના સ્થળોએથી આ બસો દોડાવાશે. પેસેન્જરો ઓનલાઈન અથવા બસ સ્ટેશનેથી એડવાન્સ બુકિંગ કરાવી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીમાં વતન જતા મુસાફરો માટે રાહત: સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે 9,100 એક્સ્ટ્રા બસો દોડશે

Extra Buses: દિવાળીના તહેવારમાં સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો મોટી સંખ્યામાં વતન જતા હોય છે. આ દરમિયાન પેસેન્જરોને વતન જવા માટે બસની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના સુરત વિભાગ દ્વારા અંદાજે 9100 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. ચોથી નવેમ્બરથી નવમી નવેમ્બર દરમિયાન આ બસોનું સંચાલન કરવામાં આવશે. પેસેન્જરો પોતાની સીટનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે તેમજ ગ્રુપ બુકિંગની સુવિધા પણ મળશે.

નિગમ દ્વારા જાહેર કરાયેલા આયોજન મુજબ સૌરાષ્ટ્ર તરફના વિવિધ શહેરો માટે સૌથી વધુ બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં શહેરો માટે પણ એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પેસેન્જરોને તેમના વતન સુધી પહોંચાડવા માટે બસોનું સંચાલન નિર્ધારિત બસ સ્ટેશન અને પિકઅપ પોઇન્ટ પરથી કરવામાં આવશે.

સુરતથી અલગ અલગ શહેરનું ભાડું

સુરત વિભાગ દ્વારા જાહેર કરાયેલા આયોજન મુજબ અલગ-અલગ શહેરો માટે બસનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

•જામનગર: 500 રૂપિયા
•સાવરકુંડલા: 480 રૂપિયા
•મહુવા: 480 રૂપિયા
•ગારીયાધાર: 440 રૂપિયા
•રાજકોટ: 435 રૂપિયા
•ભાવનગર: 385 રૂપિયા
•અમરેલી: 455 રૂપિયા
•જસદણ: 405 રૂપિયા
•ઊના: 450 રૂપિયા
•પાલનપુર: 410 રૂપિયા
•દાહોદ: 350 રૂપિયા
•ઓલપાડ-દાહોદ: 350 રૂપિયા
•ઓલપાડ-ઝાલોદ: 390 રૂપિયા
•ઝાલોદ: 350 રૂપિયા
•કવાંટ: 300 રૂપિયા
•છોટા ઉદેપુર: 310 રૂપિયા
•લુણાવાડા: 324 રૂપિયા
•ગોધરા: 305 રૂપિયા
•અમદાવાદ: 320 રૂપિયા

સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન

સુરત વિભાગના અધિકારીએ આપેલ માહિતી મુજબ સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસોનું સંચાલન ધામડકા હાઇવે, વરાછા રોડ ખાતેનાં મેદાન સહિતના નિર્ધારિત સ્થળોએથી કરવામાં આવશે. દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ તરફની બસો માટે એસટી સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલા સિટી સ્ટેન્ડ સહિતનાં સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે.

આ એક્સ્ટ્રા બસોનું સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવશે. પેસેન્જરોને બસમાં સીટ મેળવવા માટે એડવાન્સ બુકિંગની સુવિધા આપવામાં આવશે. ગ્રુપમાં મુસાફરી કરતા લોકો પણ ગ્રુપ બુકિંગ કરાવી શકશે.

ઓનલાઈન બુકિંગની સુવિધા

પેસેન્જરો એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન, કડોદરા બસ સ્ટેશન સહિત નિગમનાં વિવિધ બસ સ્ટેશનો પર આવેલી બુકિંગ વિન્ડો પરથી ટિકિટ બુક કરાવી શકશે. આ ઉપરાંત GSRTCની મોબાઇલ એપ અને સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in પરથી પણ ઓનલાઈન બુકિંગ કરી શકાશે. દિવાળીના તહેવારમાં વતન જવા માટે પેસેન્જરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોને સમયસર બસની સુવિધા મળી રહે અને મુસાફરીમાં પડતી મુશ્કેલીઓ ઓછી થાય.