સુરતની સોસાયટીઓમાં નવરાત્રિની ઉજવણીને આધુનિક રંગ: માતાજીની આરાધના સાથે રંગબેરંગી પોશાકમાં ગરબાની રમઝટ, દસ દિવસ અલગ-અલગ થીમથી ઉજવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરતમાં નવરાત્રિની ઉજવણી હવે માત્ર ગરબા રમવા પૂરતી સીમિત રહી નથી, પરંતુ રહેણાંક સોસાયટીમાં તેને નવા રંગ અને આધુનિક અંદાજ સાથે ઉજવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. માતાજીની આરાધના સાથે ખેલૈયાઓમાં એક સરખા રંગના પોશાક પહેરીને ગરબે ઘૂમવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્યાંક રેડ ડે, બ્લુ ડે, ગ્રીન ડે અને વ્હાઇટ ડે તો ક્યાંક ગોગલ્સ ડે, દુપટ્ટા ડે અને કોટી ડે જેવી થીમ નક્કી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ઉપરાંત દશેરાને પણ ઉજવણીમાં સામેલ કરી કેટલીક સોસાયટીઓમાં દસ દિવસના ડ્રેસ કોડનું આયોજન કરાયું છે. યંગસ્ટર્સથી લઈને મહિલાઓ, બાળકો અને વડીલો સુધીના રહીશો આ રંગબેરંગી થીમમાં જોડાઈને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. આમ, પરંપરાગત ગરબાની સાથે આધુનિક ફેશન અને સામૂહિક એકતાનો સમન્વય સોસાયટીઓની નવરાત્રિને નવો રંગ આપી રહ્યો છે.
સુરતમાં નવરાત્રિ દરમિયાન મોટા પાયે વ્યાવસાયિક ગરબા આયોજન થતાં હોય છે, પરંતુ તેની સાથે શેરીઓ અને રહેણાંક સોસાયટીઓમાં પણ સામૂહિક ગરબાનું આકર્ષણ વધી રહ્યું છે. સોસાયટીના રહીશો એકસાથે નવરાત્રિની ઉજવણી કરી શકે અને રોજિંદા જીવનની વ્યસ્તતામાંથી સમય કાઢીને પરિવારજનો તથા પડોશીઓ સાથે આનંદ માણી શકે તે માટે વિવિધ આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો એક જ સ્થળે ગરબા રમતા હોવાથી સોસાયટીમાં સામાજિક એકતાનું વાતાવરણ સર્જાય છે. આ ઉજવણીમાં વધુ લોકોને જોડવા અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન ઉત્સાહ જળવાઈ રહે તે માટે હવે સોસાયટીઓમાં નવી નવી થીમ અપનાવવામાં આવી રહી છે.
સામાન્ય રીતે રહેણાંક સોસાયટીમાં ગરબા દરમિયાન ડ્રેસ કોડનું કોઈ ખાસ આયોજન હોતું નથી. રહીશો પોતાની પસંદગીના પોશાકમાં ગરબા રમવા માટે આવતા હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી સોસાયટીઓમાં પરંપરાગત પોશાક પહેરીને ગરબે ઘૂમવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ વર્ષે તેમાં વધુ એક નવો રંગ ઉમેરાયો છે. કેટલીક સોસાયટીઓએ નવરાત્રિના દિવસ પ્રમાણે અલગ-અલગ રંગ અને પોશાકની થીમ જાહેર કરી છે. એક દિવસ રેડ ડે, બીજા દિવસે બ્લુ ડે, તો અન્ય દિવસે ગ્રીન કે વ્હાઇટ ડે રાખવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેડિશનલ ડે અને સેમી ટ્રેડિશનલ ડેની સાથે કોટી ડે તથા દુપટ્ટા ડેનું પણ આયોજન કરવામાં આવે છે.
રંગના ડ્રેસ કોડ ઉપરાંત કેટલીક સોસાયટીઓમાં ગોગલ્સ ડે અને યુનિટી ડે જેવી થીમ પણ નક્કી કરવામાં આવે છે. ગોગલ્સ ડેના દિવસે ખેલૈયાઓ અલગ-અલગ પ્રકારનાં ગોગલ્સ પહેરીને ગરબામાં જોડાય છે, જ્યારે યુનિટી ડેના આયોજનમાં એકસાથે ભાગ લઈને એકતાનો સંદેશ આપવામાં આવે છે. દિવસ પ્રમાણેના ડ્રેસ કોડનું અગાઉથી આયોજન થતું હોવાથી રહીશો પણ તે મુજબની તૈયારી કરે છે. એકસરખા રંગના પોશાકમાં સજ્જ ખેલૈયાઓ જ્યારે એકસાથે ગરબે ઘૂમે છે ત્યારે સોસાયટીના ગરબા મેદાનમાં આકર્ષક દૃશ્યો સર્જાય છે. આ આયોજનમાં યુવાનોની સાથે પરિવારના અન્ય સભ્યો પણ જોડાતા હોવાથી નવરાત્રિની ઉજવણી વધુ સામૂહિક બની રહી છે.
દશેરાએ ડીજે ડે સાથે દસ દિવસની ઉજવણી
નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના અને ગરબાની રમઝટ બાદ કેટલીક સોસાયટી માં દશેરાના દિવસને પણ ઉજવણી નો ભાગ બનાવવામાં આવે છે. દસમા દિવસે ફાફડા-જલેબીના નાસ્તા સાથે ડીજે ડેનું આયોજન કરી નવરાત્રિની ઉજવણીને અંતિમ રંગ આપવામાં આવે છે. નવ દિવસ સુધી અલગ-અલગ ડ્રેસ કોડ માં ગરબા રમ્યા બાદ દશેરાની રાત્રે ડીજેના તાલે નાચવા માટે પણ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળે છે. આમ, રહેણાંક સોસાયટીમાં પરંપરાગત ધાર્મિક આસ્થા સાથે આધુનિક ફેશન, નવી થીમ અને સામૂહિક આનંદનો સમન્વય જોવા મળી રહ્યો છે.




