જલારામ બાપાની 227મી જન્મજયંતિ: પૂજા-અર્ચના, ભજન, મહાઆરતી અને અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સૌરાષ્ટ્રના સંત અને સેવાભાવના પ્રતીક પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિની આવતીકાલે સોમવારે સુરતમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે. બાપાના જન્મોત્સવને વધાવવા શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલા જલારામ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરોને રંગબેરંગી રોશની, ધજા, તોરણ અને ફૂલોથી શણગારવામાં આવ્યાં છે. જન્મજયંતિ નિમિત્તે પૂજા-અર્ચના, ભજન-કીર્તન, અન્નકૂટ, છપ્પન ભોગ, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને વરાછા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા અને પાલનપોર જકાતનાકા ખાતે વિશાળ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત શહેર અને જિલ્લામાં જલારામ બાપાના મંદિર ઉપરાંત અન્ય મંદિરોમાં પણ જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. લનપોર જકાતનાકા ખાતે આવેલા જલારામ મંદિરમાં જન્મજયંતિના એક દિવસ અગાઉ અખંડ ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે જન્મજયંતિના દિવસે સવારે 6.30થી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં પૂજા-અર્ચના, આરતી અને ભજન સહિતના કાર્યક્રમો ઉપરાંત બપોરે અને સાંજે એમ બે વખત ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ આ પ્રસંગે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદીનો લાભ લેશે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતાને પગલે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે જન્મજયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં પૂજા-અર્ચના, આરતી, ભજન-કીર્તન, છપ્પન ભોગ અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભાગળ-બુંદેલાવાડ વિસ્તારના જલારામ ભક્તો માટે આ જન્મોત્સવ આસ્થાનું વિશેષ પર્વ બની રહેશે.વરાછા વિસ્તારમાં લાભેશ્વર ચોકથી મીની બજાર સરદાર પટેલની વાડી સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે. સવારે 7.30 વાગ્યે લાભેશ્વર મંદિર ખાતે પૂજા-અર્ચના કરવામાં આવશે. ત્યારબાદ લાભેશ્વર ચોક થી શોભા યાત્રાનો પ્રારંભ થશે. તેમાં રથ, ઘોડા ગાડી, બગી સહિતનાં વાહનો જોડાશે અને મોટી સંખ્યામાં જલારામ ભક્તો બાપાના જયઘોષ સાથે જોડાશે. શોભાયાત્રા ભવાની સોસાયટી અને વરાછા મુખ્ય માર્ગ થઈ મીની બજાર સરદાર પટેલની વાડી ખાતે પહોંચશે. અહીં મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બપોરે ભક્તો માટે મહાપ્રસાદી અને સાંજે મહાઆરતી નું આયોજન પણ કરાયું છે.લસકાણા ખાતે ડાયમંડ નગર પાસે આવેલા જલારામ ધામ મંદિરમાં પણ જન્મ જયંતિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં રાત્રિના સમયે ભજનનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ભક્તો માટે બપોરે અને સાંજે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ખાતે અગાઉ પણ શોભાયાત્રા, અન્નકૂટ દર્શન, મહાઆરતી અને જાહેર ભંડારા જેવા કાર્યક્રમો યોજાતા રહ્યા છે.
આ ઉપરાંત મીની વીરપુર ધામ, બાલાજી રોડના જલારામ મંદિર, ભૃગુદ્વીપ શ્રી જલારામ મંદિર સહિત શહેરનાં અન્ય જલારામ મંદિરોમાં પણ જન્મજયંતિ નિમિત્તે ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટશે. હની પાર્ક રોડ પર આવેલા પાલિકાના પ્લોટમાં પણ જલારામ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે માત્ર સુરત શહેર જ નહીં, પરંતુ સુરત જિલ્લાના ઓલપાડ, બારડોલી સહિતનાં વિવિધ ગામોમાં પણ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સેવાભાવ, અન્નદાન અને માનવ સેવાનો સંદેશ આપનારા જલારામ બાપાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં યોજાનારી મહાપ્રસાદી અને ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.




