નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છતાં ફાયર પરવાનગી માટે આયોજકોની ઉદાસીનતા : સુરત પાલિકાની કડક ગાઈડલાઈન છતાં આયોજકો નિષ્ક્રિય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Navratri Fire NOC : સુરતમાં નવરાત્રીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવા હૈયાઓમાં ગરબાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ શહેરમાં વિવિધ સ્થળોએ મોટા પાયે ધંધાદારી નવરાત્રીના આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ડોમ તથા મંડપ ઊભા કરવાની કામગીરી પણ ચાલી રહી છે. જોકે, નવરાત્રીના આયોજન પહેલાં જ પાલિકાના ફાયર વિભાગે જાહેર કરેલી કડક ગાઈડલાઈન અને ફરજિયાત ફાયર પરવાનગીની શરત સામે આયોજકોની ઉદાસીનતા સામે આવી રહી છે. ગણતરીના દિવસો બાકી હોવા છતાં હજુ સુધી એક પણ મોટા કે નાના આયોજકે ફાયર વિભાગ પાસેથી પરવાનગી લીધી ન હોવાનું જાણવા મળ્યું છે.
સુરત પાલિકાના ફાયર વિભાગ દ્વારા નવરાત્રીના આયોજનને લઈને અગાઉથી જ આયોજકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. ખાસ કરીને મોટા ડોમ અને મંડપમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોવાથી આગની ઘટના કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો સલામત રીતે બહાર નીકળવાની વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને ફાયર સેફ્ટીને લઈને નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આયોજકોએ આ નિયમોનું પાલન કર્યા બાદ જ આયોજન માટે પરવાનગી મેળવવાની રહેશે.
ફાયર વિભાગની ગાઈડલાઈન મુજબ 500 ચોરસ મીટરથી મોટા અને 8 મીટરથી ઊંચા પંડાલમાં 500થી વધુ લોકો હોય તો તેનો રેકોર્ડ રાખવાનો રહેશે. પંડાલની ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ આપી શકાશે નહીં. દરેક વ્યક્તિદીઠ ઓછામાં ઓછી એક ચોરસ મીટર જગ્યા રાખવાની રહેશે. મુખ્ય સ્ટેજ મેઈન રોડથી 50 મીટરથી વધુ દૂર રાખી શકાશે નહીં તેમજ ફાયર બ્રિગેડના વાહન માટેનો રસ્તો ખુલ્લો રાખવાનો રહેશે.
આ ઉપરાંત ઈમરજન્સી એક્ઝિટની પૂરતી વ્યવસ્થા, પ્રવેશદ્વારની પહોળાઈ અને ઊંચાઈમાં ઓછામાં ઓછા 5 ફૂટનું માપ, પંડાલની અંદર ખાણીપીણીના સ્ટોલ નહીં રાખવા સહિતની શરતો પણ મૂકવામાં આવી છે. આયોજન સ્થળે ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત સ્થિતિમાં રાખવા તથા આગ કે અન્ય દુર્ઘટના સર્જાય તો ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવાની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
છેલ્લી ઘડીએ પરવાનગી માટે પડાપડી થશે નવરાત્રી નજીક આવી રહી હોવા છતાં ડોમ-મંડપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ ફાયર પરવાનગી માટે હજુ સુધી આયોજકો તરફથી જરૂરી પ્રક્રિયા શરૂ ન કરવામાં આવી હોવાનું જાણવા મળતાં હવે છેલ્લી ઘડીએ પરવાનગી મેળવવા માટે દોડધામ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાલિકાએ નિયમો સ્પષ્ટ કર્યા હોવા છતાં જો આયોજકો પરવાનગી લીધા વિના આયોજન તરફ આગળ વધશે તો ફાયર વિભાગ દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે. શહેરમાં આ વર્ષે કેટલા સ્થળે મોટા પાયે નવરાત્રીનું આયોજન થાય છે અને તે પૈકી કેટલા આયોજકો ફાયર વિભાગની ફરજિયાત પરવાનગી મેળવે છે તેના પર હવે સૌની નજર રહેશે.




