Surat

ગ્રાહકોને કિચનની સ્વચ્છતા દેખાડવી પડશે, સુરત પાલિકાનું અલ્ટીમેટમ હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકોને પાલિકાની આખરી ચેતવણી, સાત દિવસ બાદ નોટિસ અને લાઈસન્સ રદ કરાશે

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકાએ હોટેલ-રેસ્ટોરન્ટના કિચનમાં સ્વચ્છતા જાળવવા CCTVનું લાઇવ પ્રસારણ ફરજિયાત કર્યું છે. 1500 એકમોમાંથી 12 દિવસમાં માત્ર 10%માં જ આ વ્યવસ્થા શરૂ થતાં, પાલિકાએ 7 દિવસનું અલ્ટીમેટમ આપી લાઈસન્સ રદ કરવાની ચીમકી આપી છે. ગ્રાહકોને પીરસાતા ભોજનની ગુણવત્તા અને કિચનની સ્વચ્છતા પારદર્શક બનાવવાનો આ પ્રયાસ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રાહકોને કિચનની સ્વચ્છતા દેખાડવી પડશે, સુરત પાલિકાનું અલ્ટીમેટમ    હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકોને પાલિકાની આખરી ચેતવણી, સાત દિવસ બાદ નોટિસ અને લાઈસન્સ રદ કરાશે

Surat: સુરતની હોટેલ-રેસ્ટોરન્ટના કિચનમાં સ્વચ્છતા જળવાય છે કે નહીં અને ગ્રાહકોને પીરસાતું ભોજન કઈ પરિસ્થિતિમાં તૈયાર થાય છે તેની પારદર્શિતા માટે પાલિકાએ સીસીટીવીનું લાઇવ પ્રસારણ ફરજિયાત કર્યું છે. જોકે, અંદાજે 1500 હોટેલ-રેસ્ટોરન્ટમાંથી 12 દિવસમાં માત્ર 10 ટકા એકમોમાં જ આ વ્યવસ્થા શરૂ થતાં નિયમના અમલ સામે સવાલ ઊભા થયા છે. પાલિકાએ હવે સંચાલકોને સાત દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે અને ત્યારબાદ નોટિસ ફટકારી લાઈસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

તાજેતરમાં હોટેલ-રેસ્ટોરન્ટના કિચનમાં વાસી અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો તથા તેના વીડિયો સામે આવ્યા બાદ ખાદ્ય સુરક્ષા વિભાગે તપાસ તેજ કરી છે. ગ્રાહકોને પીરસાતું ભોજન કઈ સ્થિતિમાં તૈયાર થાય છે તેની જાણકારી મળી રહે અને રસોડામાં સ્વચ્છતા જળવાય તે હેતુથી કિચનમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઇવ પ્રસારણ ડાઇનિંગ એરિયામાં સ્ક્રીન પર દર્શાવવાની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને ભોજન તૈયાર થવાની પ્રક્રિયા અને કિચરની સ્વચ્છતા અંગે પ્રત્યક્ષ જાણકારી મળી શકે તેવો હેતુ છે.

પાલિકાના ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, વપરાતા પાણીની સ્થિતિ, કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા અને રસોડાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન નિયમોનો ભંગ જણાય તો નોટિસ ફટકારવા, દંડ વસૂલવા અને અખાદ્ય સામગ્રીનો નાશ કરવા સહિતનાં પગલાં લેવામાં આવે છે. આમ છતાં, કિચનના સીસીટીવીનું લાઇવ પ્રસારણ શરૂ કરવામાં મોટાભાગનાં એકમો પાછળ રહેતાં પાલિકાએ હવે અમલવારી માટે આખરી સમયમર્યાદા નક્કી કરી છે.પાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી સાત દિવસમાં કિચનમાં સીસીટીવી અને તેનું લાઇવ પ્રસારણ દર્શાવવાની વ્યવસ્થા ઊભી કરવી પડશે.

સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નિયમનું પાલન નહીં કરનારા એકમોને નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ પણ બેદરકારી ચાલુ રહેશે તો લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, 12 દિવસમાં માત્ર 10 ટકા એકમોમાં જ લાઇવ પ્રસારણ શરૂ થયું હોવાની સ્થિતિ જોતાં હવે પાલિકા પોતાની ચેતવણીનો કેટલો કડક અમલ કરે છે તે મહત્ત્વનું બન્યું છે. ગ્રાહકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલા આ નિયમનું પાલન માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવમાં થાય તે માટે પાલિકાએ તપાસ અને કાર્યવાહી બંનેમાં સાતત્ય જાળવવું પડશે.