Surat

સુરતમાં ગજબ થયું! અડધી રાતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશને લોકઅપમાંથી આરોપી ફરાર, કાપોદરા પોલીસે ઝડપ્યો

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી 21 વર્ષીય આરોપી પ્રદીપ ઉર્ફે જાડિયો જગદીશભાઈ પાટીલ 20 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3:21થી 3:25 વાગ્યા વચ્ચે ફરાર થઈ ગયો હતો. લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં પોલીસ રિમાન્ડ પર રહેલો આ આરોપી લોકઅપનો દરવાજો ખોલીને નાસી છૂટ્યો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને કાપોદ્રામાંથી ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ગજબ થયું! અડધી રાતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશને લોકઅપમાંથી આરોપી ફરાર, કાપોદરા પોલીસે ઝડપ્યો

Surat News : સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં પોલીસ રિમાન્ડ પર રહેલો 21 વર્ષીય આરોપી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. પ્રદીપ ઉર્ફે જાડિયો જગદીશભાઈ પાટીલ (રહે. વેડરોડ, સુરત) 20 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3:21થી 3:25 વાગ્યા વચ્ચેના માત્ર ચાર મિનિટના ગાળામાં પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં આરોપીને ફરી પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જોકે આ અહેવાલ સામે આવતા જ પોલીસ દોડતી થઇ હતી અને કાપોદ્રામાંથી ભાગી છૂટેલા આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.

લોકઅપનો દરવાજો ખોલી ફરાર થયો હતો

પ્રાથમિક ફરિયાદ મુજબ, પ્રદીપ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ હતો. વહેલી સવારે તેણે કોઈક રીતે લોકઅપનો દરવાજો ખોલ્યો હતો અને પોલીસકર્મીઓની નજર ચૂકવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટતાં પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી હતી. આ ઉપરાંત પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા હતા. જે પોલીસ પર કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી છે તે પોલીસ પોતાના જ પોલીસ સ્ટેશનમાં આરોપીને પણ નથી સાચવી શકતી.

લૂંટ અને હથિયાર સંબંધિત ગંભીર ગુનાઓમાં હતો આરોપી

પ્રદીપ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલો છે. તેની સામે લૂંટ, લૂંટ દરમિયાન ઈજા પહોંચાડવી, જીવલેણ હથિયારનો ઉપયોગ કરીને લૂંટ અથવા ગંભીર ઈજા પહોંચાડવાનો પ્રયાસ અને સહિયારા ઈરાદાથી ગુનો આચરવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી હતી. આ ઉપરાંત હથિયારબંધીના જાહેરનામાના ભંગની કલમ પણ લગાવવામાં આવી હતી.

રાંદેર પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ

આરોપી કાયદેસરની પોલીસ કસ્ટડીમાંથી નાસી જતાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના ASI અરવિંદભાઈ સોમાભાઈએ રાંદેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પ્રદીપ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 262 હેઠળ નવો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કસ્ટડીમાંથી આરોપી કેવી રીતે નાસી છૂટ્યો અને તેમાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ, તે તપાસનો વિષય છે.