સુરત ભાજપમાં રુ.19 લાખનો કથિત તોડકાંડ: નિવેદનોમાં વિરોધાભાસ વચ્ચે નવા સ્ક્રીન શોટ વાઈરલ થતાં વિવાદ, વિપક્ષની ACB તપાસની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Viral WhatsApp Chat Controversy : સુરતમાં કથિત રૂ.19 લાખના તોડકાંડની વોટ્સએપ ચેટ વાઈરલ થવાના મામલે છેલ્લા એક અઠવાડિયાથી રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વિવાદમાં રોજ નિતનવો ફણગો ફૂટી રહ્યો છે અને આ નવો મુદ્દો જાણે આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યો છે. આ સમગ્ર મામલે ભાજપના જ નેતાઓના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસથી મામલો વધુ વકર્યો છે. આ સાથે આ મામલે હવે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરતાં આગને હવા મળી છે, કારણ કે વિપક્ષે ACB સમક્ષ લેખિત રજૂઆત કરીને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.
વિવાદ વધુ વકર્યો તેની પાછળનું કારણ એ છે કે આ સમગ્ર મામલે ભાજપના જ નેતાઓના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ભાજપ નેતા મનીષ નાયકે જણાવ્યું હતું કે, ભાઈદાસભાઈએ ખાતમુહૂર્તમાં ધારાસભ્યની હાજરીમાં રૂ. 19 લાખના વ્યવહારની વાત કરી હતી અને તેમને તપાસ કરવા કહ્યું હતું. મનીષ નાયકના જણાવ્યા મુજબ, તેમણે આ અંગેનું ચેટિંગ શહેર પ્રમુખને ફોરવર્ડ કરીને જાણ કરી હતી અને પક્ષની બદનામી થતી હોવાથી જવાબદારો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. મનીષ નાયકે કરેલી આ રજૂઆતના ચેટિંગના સ્ક્રિનશોટ પણ હવે વાઈરલ થયા છે, જેના કારણે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલના અગાઉના દાવા અને મીડિયાને નોટિસ આપવાની વાત સામે નવા સવાલો ઊભા થયા છે.

AAPની ACBમાં રજૂઆત અને વિપક્ષના પ્રહાર
આ આંતરિક વિવાદ વચ્ચે હવે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતર્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓએ સુરત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ લેખિત રજૂઆત કરીને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે. AAPના નેતાઓએ જણાવ્યું હતું કે, ભાજપના જ સિનિયર નેતા દ્વારા આ કથિત તોડકાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં ધારાસભ્ય અને કોર્પોરેટરોના નામે નાણાં લેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, આક્ષેપોની તપાસ કરવાને બદલે પત્રકારોને નોટિસ આપવાની વાત કરીને મીડિયાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. AAPએ આ મામલાને રાજ્યસ્તરે પણ ACB સમક્ષ રજૂઆત કરવાની જાહેરાત કરી છે.
શહેર પ્રમુખ પરેશ પટેલનો બચાવ અને નિવેદન
બીજી તરફ, સુરત ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે આક્ષેપોને પાયાવિહોણા ગણાવી મીડિયા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સમાચાર ખોટા છે અને જે લોકોએ પ્રસારણ કર્યું છે તેમને ત્રણ-ચાર દિવસમાં નોટિસ મળી જશે. પરેશ પટેલે સવાલ ઉઠાવ્યો હતો કે પુરાવા વગર પ્રસારણ કેવી રીતે કરી શકાય અને વોટ્સએપ ચેટ તો કોઈ પણ કાર્યકર્તા બનાવી શકે છે, તેના માટે કોણ જવાબદાર?

શું છે સમગ્ર મામલો?
ગત 18 નવેમ્બરના રોજ સુરત ભાજપમાં આંતરિક ખેંચતાણ અને આક્ષેપબાજી વચ્ચે એક વોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. જેમાં ખાનગી સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ મામલે રૂ. 19 લાખના કથિત સેટલમેન્ટ અને વૉર્ડ નંબર 27ના દરેક કોર્પોરેટરને રૂ. 2-2 લાખ મળ્યા હોવાની ચર્ચાનો ઉલ્લેખ હતો, જેનાથી શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.




