Surat

સુરત પાલિકામાં ૩૦ ટકાથી વધુ નીચા ભાવના 69 ટેન્ડર રદ : જાહેર બાંધકામ સમિતિનો સપાટો, એકસાથે 74 કામો દફતરે

By GS Team
3 Nov 20263 mins read
TukuTouch Logo
સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિએ 74 વિકાસકામોને દફતરે કરવાનો નિર્ણય લેતાં ચર્ચા જાગી છે. નવી ટેન્ડર નીતિ હેઠળ, અંદાજિત રકમ કરતાં 30% કે તેથી વધુ નીચા ભાવે આવેલા 69 ટેન્ડરો રદ કરાયા છે. કમ્પાઉન્ડ વોલની લોખંડની ગ્રીલોની ચોરીની ફરિયાદોને પગલે ડિઝાઇન બદલવાના કારણે 5 કામો પણ રદ કરી નવેસરથી દરખાસ્ત તૈયાર કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકામાં ૩૦ ટકાથી વધુ નીચા ભાવના 69 ટેન્ડર રદ : જાહેર બાંધકામ સમિતિનો સપાટો, એકસાથે 74 કામો દફતરે

Surat Corporation : સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિએ નવી ટેન્ડર નીતિના અમલ અને કમ્પાઉન્ડ વોલની ડિઝાઇનમાં ફેરફારના પગલે એકસાથે 74 વિકાસકામોને દફતરે કરવાનો નિર્ણય લેતાં પાલિકાના વર્તુળોમાં ચર્ચા જાગી છે. અંદાજિત રકમ કરતાં 30 ટકા કે તેથી વધુ નીચા ભાવે આવેલા 69 ટેન્ડરોને નવી નીતિ હેઠળ ફગાવી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, કમ્પાઉન્ડ વોલમાં લગાવવામાં આવતી લોખંડની ગ્રીલોની ચોરીની ફરિયાદોને પગલે હવે તેની ડિઝાઇન બદલવાની તૈયારી છે. આથી જૂની ડિઝાઇન અને અંદાજ પ્રમાણે રજૂ કરાયેલાં પાંચ કામો પણ રદ કરી નવેસરથી દરખાસ્ત તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.
પાલિકાના વિકાસકામોમાં ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કોન્ટ્રાક્ટરો દ્વારા અંદાજિત ખર્ચ કરતાં ખૂબ નીચા ભાવે ટેન્ડર ભરવાની પદ્ધતિ સામે હવે શાસકોએ કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને અંદાજ કરતાં 30 ટકા કે તેથી વધુ નીચા ભાવે કામ મેળવ્યા બાદ તેની ગુણવત્તા જાળવવામાં મુશ્કેલી ઊભી થતી હોવાની રજૂઆતો વચ્ચે આવી ટેન્ડર પ્રક્રિયા પર નિયંત્રણ મૂકવાની નીતિ અમલમાં લાવવામાં આવી છે. આ નીતિ મુજબ હવે 30 ટકાથી વધુ નીચા ભાવ ધરાવતા ટેન્ડરોને મંજૂરી આપવામાં નહીં આવે.જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં આ નીતિનો સીધો અમલ જોવા મળ્યો હતો. સમિતિ સમક્ષ એજન્ડાના ક્રમ નંબર 1થી 71 સુધીનાં કામો રજૂ કરવામાં આવ્યાં હતાં. તેમાંથી ક્રમ નંબર 4 અને 6 સિવાયનાં બાકીના 69 કામોના ટેન્ડર અંદાજિત રકમ કરતાં 30 ટકા કે તેથી વધુ નીચા ભાવે આવ્યા હોવાથી તેને દફતરે કરવાનો નિર્ણય લેવાયો હતો. આમ, એક જ બેઠકમાં 69 ટેન્ડરો રદ થતાં હવે આ કામો માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી પડશે. આ નિર્ણયથી પાલિકાના વિકાસકામોની ટેન્ડર પ્રક્રિયામાં નવી નીતિનો કડક અમલ શરૂ થયો હોવાનો સંકેત મળ્યો છે.
બીજી તરફ, પાલિકાના વિવિધ પ્લોટોની ફરતે બનાવવામાં આવતી કમ્પાઉન્ડ વોલની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવાની તૈયારી છે. અગાઉ કમ્પાઉન્ડ વોલની ઉપરના ભાગમાં સુરક્ષા માટે લોખંડની ગ્રીલો લગાવવામાં આવતી હતી. જોકે, આ ગ્રીલો મોંઘી હોવા ઉપરાંત તેની ચોરી થવાની ફરિયાદો પણ સામે આવી હતી. પાલિકાની સામાન્ય સભામાં પણ આ મુદ્દે રજૂઆત થતાં હવે લોખંડની ગ્રીલ વગરની નવી ડિઝાઇન તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. નવી ડિઝાઇનમાં સુરક્ષાની સાથે બાંધકામનો ખર્ચ અને જાળવણીની બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
જોકે, જાહેર બાંધકામ સમિતિ સમક્ષ ક્રમ નંબર 107થી 111 સુધીનાં પાંચ કમ્પાઉન્ડ વોલનાં કામો જૂની ડિઝાઇન અને જૂના અંદાજ પ્રમાણે રજૂ કરવામાં આવ્યાં હતાં. ડિઝાઇનમાં જ ફેરફાર કરવાનો નિર્ણય લેવાઈ ગયો હોવાથી આ પાંચ કામોને જૂની દરખાસ્ત પ્રમાણે મંજૂરી આપવી યોગ્ય ન હોવાનું માની સમિતિએ તેને પણ દફતરે કરવાનો નિર્ણય લીધો હતો. હવે નવી ડિઝાઇન તૈયાર થયા બાદ નવેસરથી ખર્ચનો અંદાજ બનાવી આ કામો ફરીથી સમિતિ સમક્ષ મૂકવામાં આવશે.આમ, જાહેર બાંધકામ સમિતિની એક જ બેઠકમાં ટેન્ડરની નવી નીતિ અને ડિઝાઇનના ફેરફારને કારણે કુલ 74 કામો રદ થતાં પાલિકાના વિકાસકામોની પ્રક્રિયામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
નવી ટેન્ડર નીતિ હેઠળ રદ : 69 કામો, અંદાજિત રકમ કરતા 30 ટકા કે તેથી વધુ નીચા ભાવે ટેન્ડર આવતાં રદ કરાયા
ટેન્ડરના કામનો ક્રમ : 1થી 71 પૈકી ક્રમ નંબર 4 અને 6 સિવાયના તમામ 69 કામો દફતરે.
ડિઝાઇન બદલાવાને કારણે રદ : કમ્પાઉન્ડ વોલનાં ક્રમ નંબર 107થી 111 સુધીનાં પાંચ કામો.
ડિઝાઇન બદલવાનું કારણ : કમ્પાઉન્ડ વોલ પર લગાવવામાં આવતી લોખંડની ગ્રીલોની ચોરી થતી હોવાની સામાન્ય સભામાં ફરિયાદો થઈ હતી.
આગળની કાર્યવાહી : હવે લોખંડની ગ્રીલ વગરની નવી ડિઝાઇન તૈયાર કરી સુધારેલા અંદાજ સાથે પાંચેય કામો ફરીથી સમિતિ સમક્ષ રજૂ કરાશે.