'જિંદગીથી થાકી ગયો, આત્મહત્યા કરવી હતી...' ધનશ્રી સાથે છૂટાછેડા અંગે ચહલે મૌન તોડ્યું
Yuzvendra Chahal Interview: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના માર્ચ 2025માં છૂટાછેડા થયા હતા. હવે યુઝવેન્દ્ર ચહલે આ છૂટાછેડા પર મૌન તોડ્યું છે. તેણે આ લગ્નમાં થયેલી ભૂલો વિશે જણાવ્યું હતું કે, 'જ્યારે આ વર્ષની શરૂઆતમાં મારા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો અને છૂટાછેડાની અફવાઓ તેજ થઈ, ત્યારે હું માનસિક તણાવમાંથી પસાર થયો હતો. મને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા.'
ધનશ્રી વર્મા સાથેના સંબંધ અંગે યુઝવેન્દ્ર ચહલે શું કહ્યું?
એક ઈન્ટરવ્યૂમાં ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું હતું કે, 'અમારા (યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા) સંબંધોમાં ખટાશ ઘણાં સમયથી ચાલી રહી હતી. અમે નક્કી કર્યું કે જ્યાં સુધી એવી પરિસ્થિતિમાં ન પહોંચીએ જ્યાંથી પરત ફરવાની શક્યતા નથી, ત્યાં સુધી અમે કંઈ નહીં કહીએ. અમે સોશિયલ મીડિયા પર એક સામાન્ય કપલની જેમ રહીશું.'
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને પૂછવામાં આવ્યું કે 'શું તે ફક્ત દેખાડો કરી રહ્યા હતો? જવાબમાં યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, 'સંબંધ એક કરાર જેવો છે. જો એક ગુસ્સે હોય, તો બીજાએ સાંભળવું પડે છે. ક્યારેક બે લોકોના સ્વભાવ મેળ ખાતા નથી. હું ભારત માટે મેચ રમી રહ્યો હતો, તે પણ પોતાનું કામ કરી રહી હતી. આ 1-2 વર્ષથી ચાલી રહ્યું હતું.'
'મેં મારા જીવનમાં ક્યારેય કોઈને દગો કર્યો નથી'
ધનશ્રી વર્મા સાથેના સંબંધ અંગે યુઝવેન્દ્ર ચહલે કહ્યું, 'હું મેચમાં અને મારા અંગત જીવનને સમય આપી રહ્યો હતો. આમ છતાં સંબંધ વિશે વિચારવાનો સમય ન હતો અને પછી દરરોજ હું વિચારતો હતો કે રહેવા દો, દરેકનું પોતાનું જીવન અને પોતાના ધ્યેય હોય છે. જીવનસાથી તરીકે, તમારે સાથ આપવાનો હોય છે. જ્યારે મારા છૂટાછેડા થયા, ત્યારે લોકો મને દગાખોર કહેતા હતા. પરંતુ મેં મારા જીવનમાં ક્યારેય કોઈને દગો કર્યો નથી. મારી બે બહેનો છે અને મેં મારા માતા-પિતા પાસેથી મહિલાઓનો આદર કરતા શીખ્યો છું. એવું જરૂરી નથી કે જો મારું નામ કોઈની સાથે જોડાઈ રહ્યું હોય, તો લોકો તેના વિશે કંઈપણ લખે.'
ચહલ ક્રિકેટમાંથી બ્રેક લેવા માંગતો હતો
ઈન્ટરવ્યૂમા યુઝવેન્દ્ર ચહલ ભાવુક થઈ ગયો અને કહ્યું, 'મને આત્મહત્યાના વિચારો આવતા હતા, હું જિંદગીથી થાકી ગયો હતો. હું કલાકો સુધી રડતો હતો અને 2 કલાક જ સૂતો હતો. આ 40-45 દિવસ સુધી ચાલ્યું. હું ક્રિકેટમાંથી બ્રેક લેવા માંગતો હતો. હું ક્રિકેટમાં એટલો વ્યસ્ત હતો કે હું બીજે ક્યાંય ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો. મેં આ વાતો મારા મિત્ર સાથે શેર કરી.'
ધનશ્રી અને ચહલે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાનો નિર્ણય 20મી માર્ચ 2025ના રોજ મુંબઈની બાંદ્રા હાઈકોર્ટમાં આવ્યો હતો. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ચહલ અને ધનશ્રીએ 22મી ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. ચહલ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. ચહલે ભારત માટે છેલ્લી મેચ જાન્યુઆરી 2023માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી.