એશિયા કપ: યશસ્વી, રાહુલ સહિત આ ખેલાડીઓના પત્તાં કપાય તેવી શક્યતા! મેડિકલ બુલેટિનની રાહ
Asia Cup 2025: ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ એશિયા કપ 2025 ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી મોટી ટુર્નામેન્ટ હશે. અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટી 19મી તથા 20મી ઓગસ્ટના રોજ એશિયા કપ માટે ટીમની પસંદગી કરી શકે છે. આ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્પોર્ટ્સ સાયન્સ ટીમ બધા ખેલાડીઓનું મેડિકલ બુલેટિન ક્યારે મોકલે છે તેના પર નિર્ભર રહેશે. જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવનું મેડિકલ બુલેટિન પણ શામેલ છે, તેણે બેંગલુરૂમાં નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે.
ટીમમાં કોઈ ફેરફારો થાઈ તેવી શક્યતા નથી!
અહેવાલો અનુસાર, BCCIની સિલેક્શન કમિટી ટીમમાં ફેરફાર કરવા માટે ઉત્સુક નથી. તેનું મુખ્ય કારણ એ છે કે અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા ટોચના 5 માં મજબૂત ખેલાડીઓ છે. અભિષેક શર્મા વર્તમાન ICC ટી20 રેન્કિંગમાં વિશ્વનો નંબર 1 ટી20 બેટર છે. સંજુ સેમસને છેલ્લી સીઝનમાં બેટિંગ અને વિકેટકીપિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી નિર્ણય લેવો મુશ્કેલ હશે, પરંતુ શુભમનને તેના વર્તમાન ફોર્મમાં અવગણી શકાય નહીં. IPLમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું. પસંદગીકારો માટે સમસ્યા એ છે કે ટોપ ઓર્ડરમાં ઘણાં સારા ખેલાડીઓ છે. જેથી ટોપ ઓર્ડરમાં આટલા બધા ખેલાડીઓ હોવાથી, યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન માટે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે. કે.એલ. રાહુલ વનડેમાં પહેલી પસંદગીનો વિકેટકીપર હોય, પણ તેના નામ પર વિચાર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
સંજુ સેમસનના ભૂતકાળના પ્રદર્શનને જોતા, તેને પ્રથમ વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવે તે લગભગ નિશ્ચિત છે. આ ઉપરાંત અન્ય વિકેટકીપર તરીકે જીતેશ શર્મા અને ધ્રુવ જુરેલમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. ધ્રુવ જુરેલ છેલ્લી ટી20 સીરિઝનો ભાગ હતો, જ્યારે આઈપીએલમાં આરસીબીની જીતમાં જીતેશ શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ફિનિશરની ભૂમિકામાં ઘણી મેચવિનિંગ ઈનિંગ્સ રમી હતી.
રેડ્ડી માટે સમયસર ફિટ થવું મુશ્કેલ છે
ભારતીય ટીમના સીમ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા પહેલી પસંદગી છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા નીતિશ કુમાર રેડ્ડી સમયસર ફિટ થવાની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામે વાપસી કરનાર શિવમ દુબેને ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. અક્ષર અને વોશિંગ્ટન સુંદર ટીમમાં અન્ય બે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર હશે.
જો આપણે ભારતીય ટીમના પેસ બોલિંગ આક્રમણની વાત કરીએ તો ટીમમાં બુમરાહ અને અર્શદીપ સિંહનું સ્થાન નિશ્ચિત છે. ત્રીજા સ્થાન માટે પ્રસિધ કૃષ્ણા અને હર્ષિત રાણા વચ્ચે ટક્કર છે. પ્રસિધ કૃષ્ણાએ IPL 2025માં 25 વિકેટ લીધી હતી, જ્યારે ટીમ હર્ષિતના પ્રદર્શન પર પણ નજર રાખશે. તે હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે.