વનડેમાંથી નિવૃત્તિ લેશે વિરાટ કોહલી અને રોહિત શર્મા? સસ્પેન્સ વચ્ચે ગાંગુલીનું મોટું નિવેદન
Sourav Ganguly on Rohit-Virat: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માની ODI કારકિર્દીને લઈને અટકળો ચાલી રહી છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે આ બંને દિગ્ગજ આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા ટૂર પછી વનડે ક્રિકેટથી પણ નિવૃત્તિ લઈ લેશે. કોહલી અને રોહિત T20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને પહેલાથી જ અલવિદા કહી ચૂક્યા છે, એટલે બંને હવે ફક્ત એક ફોર્મેટમાં જ ભારત માટે રમવા સક્ષમ છે. હવે રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તેમને કોહલી અને રોહિત શર્માના આ નિર્ણય વિશે કોઈ જાણકારી નથી. સૌરવ ગાંગુલીની માનવું છે કે માત્ર તેમનું પરફોર્મન્સ નક્કી કરશે કે તે આગળ કેટલા સમય સુધી રમી શકશે.
સૌરવ ગાંગુલીએ એક ઇવેન્ટ દરમિયાન કહ્યું, 'મને વિરાટ અને રોહિતના નિવૃત્તિ વિશે કોઈ જાણકારી નથી. હું આ બાબતે કોઈ નિવેદન નથી આપી શકતો. એ કહેવું મુશ્કેલ છે, જે પણ સારું પ્રદર્શન આપશે, તે રમશે. જો તે બંને સારી રમત રમશે તો તેમને આગળ પણ રમવું જોઈએ. વિરાટ કોહલીનો વન-ડે રેકોર્ડ સારો રહ્યો છે.'
આ પણ વાંચો : ઈંગ્લેન્ડમાં દમદાર પરફોર્મન્સ કરનાર ટીમ ઈન્ડિયાનો ચાલુ વર્ષે વ્યસ્ત શેડ્યૂલ, આ રહી યાદી
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્યારે રમાશે મેચ ?
ઓક્ટોબર મહિનામાં ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારતની ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ 19 ઓક્ટોબરથી શરૂ થશે. બંને ટીમ 3 વનડે મેચની સીરિઝ રમશે. આ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની પણ વાપસી થશે.
રોહિત-વિરાટનું વન-ડે પરફોર્મન્સ
જણાવી દઈએ કે વિરાટ કોહલીનો વનડે ઇન્ટરનેશનલમાં જબરદસ્ત રેકોર્ડ રહ્યો છે અને સૌથી વધુ રન બનાવનાર બેટરોની યાદીમાં તેનુ સ્થાન ત્રીજા નંબરે છે. કોહલીએ 302 ODI મેચમાં 57.88ની સરેરાશથી 14181 રન બનાવ્યા છે, જેમાં 51 સદી અને 74 અડધી સદી સામેલ છે. બીજી તરફ રોહિત શર્માના નામે ODI નો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર (269)નો રેકોર્ડ નોંધાયેલો છે. રોહિતે 273 ODI મેચમાં 48.76ની સરેરાશથી 11,168 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિતે 32 સદી અને 58 અડધી સદી ફટકાર્યા છે.
વિરાટ કોહલીએ શરૂ કરી પ્રેક્ટિસ
ફેબ્રુઆરી 2025માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રોહિત શર્મા હાલમાં ઓવલ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેન્ડમાં જોવા મળ્યો હતો. જ્યારે વિરાટ કોહલી હાલ લંડનમાં રહે છે અને તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ઇન્ડોર પ્રેક્ટિસ કરી રહ્યો છે.