યશસ્વીને ફોર્મમાં પાછું લાવવા રોહિત શર્માએ કરી મદદ? સદી ફટકાર્યા બાદ જયસ્વાલે ફોડ પાડ્યો
India vs England 5th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની છેલ્લી ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે પૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા યુવા ખેલાડીઓનો જોશ વધારવા ઓવલ મેદાન પર પહોંચ્યો હતો. મેચના બીજા દિવસે સ્ટેન્ડમાં બેઠેલા રોહિત શર્માએ મહેફિલ લૂંટી લીધી હતી. જોકે તે માત્ર મેચ જોવા જ નહોતો આવ્યો. તે મેદાનની બહાર બેસીને પણ ભારતીય ખેલાડીઓની મદદ કરી રહ્યો હતો. ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. હવે સદી ફટકાર્યા બાદ જયસ્વાલે ખુલાસો કર્યો છે કે સ્ટેન્ડમાં બેઠેલા રોહિત શર્માએ મને એક સ્પેશિયલ મેસેજ આપ્યો હતો.
જયસ્વાલની ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી
યશસ્વી જયસ્વાલના ટેસ્ટ કરિયરની આ છઠ્ઠી સદી હતી અને તેણે કહ્યું કે, મેં આ સદીનો ભરપૂર આનંદ માણ્યો. પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ સ્ટેન્ડમાંથી જયસ્વાલની સદી જોઈ. જયસ્વાલે કહ્યું કે, 'રોહિતે મને રમતા રહેવાનો મેસેજ આપ્યો હતો.'
રોહિત શર્માએ જયસ્વાલને સ્પેશિયલ મેસેજ આપ્યો
જયસ્વાલે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 'મેં રોહિતભાઈને જોયો અને તેને 'Hi' કહ્યું, તેણે મને રમતા રહેવાનો મેસેજ આપ્યો.' યશસ્વી એ પોતાની ઈનિંગ અને તેની તૈયારીને લઈને કહ્યું કે, મને લાગે છે કે અમારા બધા માટે ખુદને આગળ વધારતા રહેવું જરૂરી છે. આ અમારી છેલ્લી ઈનિંગ હતી. માનસિક રીતે હું ખુદને આગળ વધારતો રહેવા અને બને તેટલો વધુ સ્કોર બનાવવા માટે તૈયાર હતો.
હું બોલરો પર દબાણ બનાવવા માંગતો હતો
જયસ્વાલે ફાસ્ટ બોલરોની મદદગાર પિચને ધ્યાનમાં રાખીને કેવી રીતે કામ કર્યું તે પણ જણાવ્યું. જયસ્વાલે જણાવ્યું કે, પ્રથમ ઈનિંગમાં વિકેટ જોઈને હું વિચારી રહ્યો હતો કે રન બનાવવાનો સૌથી સારો વિકલ્પો શું હોઈ શકે છે. હું માત્ર એ જ રીતે રમવાનો અને સકારાત્મક રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારો ઈરાદો ખૂબ જ સારો હતો. હું બોલરો પર દબાણ બનાવવા માંગતો હતો કે, તેઓ ક્યાં બોલિંગ કરશે અને હું ક્યાં રન બનાવી શકું છું. મારી માનસિકતા હંમેશા આવી જ રહે છે. મને લાગે છે કે સકારાત્મક રહેવું અને પોતાના શોટ્સ રમવા એ પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. જો પરિસ્થિતિ કંઈક બીજું માંગે તો હું તેનો પણ આનંદ માણીશ.