Get The App

WTCની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો વિજય, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, એડન માર્કરમની સદી

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
WTCની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો વિજય, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, એડન માર્કરમની સદી 1 - image


WTC Final Match Australia vs South Africa : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2025ની ફાઈનલ મેચમાં એડન માર્કરમની વિસ્ફોટ સદીની મદદથી દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ લોડ્‌ર્ઝમાં રમાયેલી મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમને 5 વિકેટે પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયની ટીમે પ્રથમ ઈનિંગમાં 212 રન અને બીજી ઈનિંગમાં 207 રન નોંધાવ્યા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 138માં ઓલઆઉટ થઈ ગયા બાદ બીજી ઈનિંગમાં ધમાકેદાર પ્રદર્શન કરી 5 વિકેટે 282 રન નોંધાવી વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધુ કુલ 7 વિકેટ અને મિચેલ સ્ટાર્કે કુલ 5 ઝડપી હતી, જોકે બંને બોલરોની મહેનત એડે ગઈ છે. માર્કરમે બીજી ઈનિંગમાં 136 રન અને બવુમાએ 66 રન નોંધાવી દક્ષિણ આફ્રિકાને જીત અપાવી છે.

માર્કરમ અને બવુમાની મહેનતે ટીમને જીત અપાવી

માર્કરમની સદી અને કેપ્ટન બવુમા સાથેની ભારે સંઘર્ષમય શતકીય ભાગીદારીને સહારે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનો તખ્તો ઘડી કાઢ્‌યો હતો. લોડ્‌ર્ઝમાં ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 207 રનમાં સમેટાઈ તે પછી જીતવા દક્ષિણ આફ્રિકાને 282નો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે રિકેલ્ટન (6) અને મુલ્ડર(27)ની વિકેટ ગુમાવ્યા બાદ માર્કરમે સદી અને બવુમાએ અડધી સદી ફટકારતાં ટીમને જીત તરફ આગળ ધપાવી હતી. 

પ્રથમ દિવસની રમતમાં 14 વિકેટ પડી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહેલા જ દિવસે 14 વિકેટ પડી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 212 રનમાં સમેટાઈ હતી. વેબસ્ટર (72 રન) અને સ્મિથ (66)ની જોડીએ જબરજસ્ત સંઘર્ષ કરતાં અડધી સદીઓ ફટકારી હતી. ત્યાર બાદ સાઉથ આફ્રિકાનો ટોપ ઓર્ડર પણ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટરો સામે ટકી શક્યો નહતો અને તેમણે પ્રથમ દિવસની રમતના અંતે પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટે 43 રન નોંધાવ્યા હતા.

WTCની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો વિજય, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, એડન માર્કરમની સદી 2 - image

દક્ષિણ આફ્રિકા છેલ્લે 1998માં ટુર્નામેન્ટ જીતી હતી

દક્ષિણ આફ્રિકા છેલ્લે 1998માં આઇસીસી ટુર્નામેન્ટ જીત્યું હતુ. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 101 મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે 54 જ્યારે દક્ષિણ આફ્રિકાએ 26 મેચ જીતી હતી. બંને દેશો વચ્ચેની 21 મેચ ડ્રો રહી હતી. બંને દેશોના આ આંકડાઓ જોતા એવું લાગતું હતું કે, કાંગારૂ ટીમનું પલડું ભારે છે, પરંતુ WTCની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ તેને હરાવ્યું છે.

WTC ફાઈનલ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ-11

ઓસ્ટ્રેલિયા : ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.

દક્ષિણ આફ્રિકા : ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરમ, રાયન રિકેલ્ટન, વિઆન મુલ્ડર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (વિકેટકીપર), માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી ન્ગીડી.

Tags :