Get The App

વુમન ટેનિસ એસોસિએશનનો મોટો નિર્ણય, માતા બનવા માગતી ખેલાડીઓને રેન્કિંગ પ્રોટેક્શન મળશે

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
વુમન ટેનિસ એસોસિએશનનો મોટો નિર્ણય, માતા બનવા માગતી ખેલાડીઓને રેન્કિંગ પ્રોટેક્શન મળશે 1 - image


WTA Big Decision: મહિલાઓ માટે કોઈપણ ફિલ્ડમાં કરિયર બનાવવું સરળ નથી. તેમણે ઘણા પડકારોમાંથી પસાર થવું પડે છે. જ્યારે કોઈ મહિલા ખેલાડી માતા બનવા ઇચ્છતી હોય, ત્યારે પણ તેની કારકિર્દી પર અસર પડે છે. પરંતુ હવે મહિલા ટેનિસ એસોસિએશન (WTA) એ એક મોટું પગલું ભર્યું છે, જેનાથી WTA રેન્કિંગમાં ટોપ 750 મહિલા પ્લેયર્સને રાહત મળશે. WTAના જણાવ્યા પ્રમાણે કોઈપણ મહિલા ખેલાડી માતા બનવા માંગતી હોય અથવા ભવિષ્યમાં માતા બનવાના હેતુથી એગ ફ્રીઝ (બીજ સાચવવાની પ્રક્રિયા) કરાવવા માંગતી હોય તેને થોડા સમય માટે રમતથી દૂર રહેવાની અને સુરક્ષિત રેન્કિંગ સાથે વાપસી કરવાની તક આપવામાં આવશે.

પ્લેયર્સને સ્પેશિયલ એન્ટ્રી રેન્કિંગ પ્રાપ્ત થશે

WTAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ખેલાડીઓ હવે ફર્ટિલિટી પ્રોટેક્શન પ્રોસેસ જેવા કે, એગ ફ્રીઝિંગ માટે પ્રોફેશનલ ટેનિસમાંથી થોડો સમય દૂર રહી શકે છે અને ત્યારબાદ તે સુરક્ષિત રેન્કિંગ સાથે વાપસી કરી શકે છે. જેના કારણે તેઓની કારકિર્દી પર અસર નહીં પડે. તેના માટે પાત્ર પ્લેયર્સને એક સ્પેશિયલ એન્ટ્રી રેન્કિંગ (SER) પ્રાપ્ત થશે. જેનો ઉપયોગ ત્રણ ટુર્નામેન્ટમાં એન્ટ્રી માટે થઈ શકે છે. પ્લેયર્સનું આ રેન્કિંગ ટુર્નામેન્ટમાંથી બહાર થતા અગાઉના WTA રેન્કિંગના 12 અઠવાડિયાની એવરેજ પર આધારિત હશે.

 સ્લોએન સ્ટીફન્સે આ નિર્ણયનું કર્યું સ્વાગત

યુએસ ઓપન 2017ની ટાઈટલ વિજેતા સ્લોએન સ્ટીફન્સે પણ એગ ફ્રીઝિંગ દરમિયાન સુરક્ષિત રેન્કિંગ સ્વરૂપે માન્યતા આપવાની માગ કરી હતી. તેણે WTAના આ પગલાની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે, 'સુરક્ષિત રેન્કિંગ હોવું જોઈએ, જેથી ખેલાડીઓને ઝડપથી રિકવરીની તક મળે અને ફરીથી પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા માટે મજબૂર ન થવું પડે. આ એક જરૂરી નિર્ણય છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. કોઈ ત્રણ મહિના માટે બહાર થઈ શકે છે, કોઈ એક અઠવાડિયા માટે બહાર થઈ શકે છે. જ્યારે હું WTA પ્લેયર્સ કાઉન્સિલની સભ્ય હતી, ત્યારે આવા પગલાની પ્રબળ સમર્થક હતી'.

આ પણ વાંચો: અમેરિકામાં કાયમી વસવાટનો વધુ એક વિકલ્પ, ‘ટ્રમ્પ કાર્ડ’ થકી 50 લાખ ડોલરમાં એન્ટ્રી

ઘણી બધી મહિલા ખેલાડીઓ કારકિર્દી દરમિયાન માતા બનવાનું ટાળે છે અને ભવિષ્યમાં માતા બની શકે એ હેતુથી એગ ફ્રીઝિંગ જેવી પદ્ધતિઓની મદદ લેતી હોય છે. એવી મહિલા ખેલાડીઓ માટે આ નિયમો ખૂબ ફાયદાકારક રહેશે. તાજેતરમાં કોઈપણ ફર્ટિલિટી પ્રોટેક્શન માટેની સારવારના ખર્ચ માટે ગ્રાન્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને આ વર્ષની શરૂઆતમાં WTAએ પહેલીવાર પેઈડ મેટરનિટી લીવની શરૂઆત કરી છે. 320થી વધુ ખેલાડીઓ હવે 12 મહિના સુધી પેઈડ લીવ માટે પાત્ર છે. 

Tags :