અમેરિકામાં કાયમી વસવાટનો વધુ એક વિકલ્પ, ‘ટ્રમ્પ કાર્ડ’ થકી 50 લાખ ડૉલરમાં એન્ટ્રી
Trump Gold Card Visa Open: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ટ્રમ્પ કાર્ડ તરીકે ઓળખાતા નવા વિઝા પ્રોગ્રામ માટે વેઇટલિસ્ટ વેબસાઇટ લોન્ચ કરી છે. આ પ્રોગ્રામ વિદેશીઓને અમેરિકામાં 50 લાખ ડૉલરનું રોકાણ કરવા પર પરમિનન્ટ રેસિડન્સી વિઝા પ્રદાન કરે છે. ઇચ્છુક અરજદારો સત્તાવાર વેબસાઇટ trumpcard.gov પર સાઇન અપ કરી શકે છે. આ વેબસાઇટમાં ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર અને નામ સાથેનું ચમકતા ગોલ્ડ કાર્ડ ફીચરથી શરુ થાય છે. જે ટ્રમ્પ કાર્ડ તરીકે ઓળખાય છે.
50 લાખ ડૉલરમાં મળશે અમેરિકાના કાયમી વિઝા
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ અંગે પોસ્ટ કરી હતી કે, '50 લાખ ડૉલરમાં, ટ્રમ્પ કાર્ડ આવી રહ્યું છે! હજારો લોકો પૂછી રહ્યા છે કે, વિશ્વના આ મહાન દેશમાં વસવાટ કરવા માટે આ સુંદર માર્ગ પર કેવી રીતે સાઇન અપ (પ્રવેશ) કરી શકાશે. જે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા તરીકે ઓળખાય છે. વેઇટિંગ લિસ્ટ હવે શરુ થયું છે. સાઇન અપ કરવા સંપર્ક કરો-trumpcard.gov.'
શું છે ટ્રમ્પ કાર્ડ?
ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. જે વિદેશીઓને અમેરિકામાં 50 લાખ ડૉલરના રોકાણ પર કાયમી વસવાટ કરવાની તક આપે છે. ભારતીય ચલણમાં આ રોકાણ લગભગ રૂ. 43 કરોડ જેટલું છે. જેના માટે ટ્રમ્પે શરુ કરેલી નવી વેબસાઇટ પર સાઇનઅપ કરી અરજી કરવાની રહેશે.
ટ્રમ્પ કાર્ડના લાભ
ટ્રમ્પ કાર્ડ ગ્રીન કાર્ડના લાભો આપે છે, જે અમેરિકામાં કાયમી વસવાટની મંજૂરી આપે છે. ટ્રમ્પે અગાઉ જણાવ્યા પ્રમાણે, અમે આ કાર્ડ માટે 50 લાખ ડૉલરની કિંમત નિર્ધારિત કરી છે. જે તમને ગ્રીન કાર્ડ જેવા લાભો આપશે. તેમજ અમેરિકાના નાગરિક બનવાનો માર્ગ મોકળો બનાવશે. સંપત્તિથી સંપન્ન લોકો આ કાર્ડ ખરીદી અમેરિકામાં પ્રવેશી શકે છે.
આ રીતે કરો અરજી
1. સત્તાવાર ટ્રમ્પ કાર્ડ વેબસાઇટ trumpcard.govની મુલાકાત લો.
2. હોમપેજ પર અરજદાર નામ, પ્રદેશ, ઈમેઇલ સહિતની માહિતી આપી સબમિટ કરો. જેમાં ઈમેઇલ આઇડી પર છ ડિજિટ વેરિફિકેશન કોડ આવશે.
3. ઓટીપી સબમિટ કર્યા બાદ મેસેજ આવશે, યોર જર્ની બિગેન્સ. તમે ક્યારે એક્સેસ શરુ કરી શકશો તેની જાણ કરવામાં આવશે.
4. ત્યારબાદ જ્યારે પણ ઍપ્લિકેશન ફોર્મ શરુ થશે ત્યારે તમને મેસેજ મારફત તેની જાણ કરવામાં આવશે.