VIDEO: વર્લ્ડકપ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીતે કોની માફી માંગી? જુઓ ભાવુક વીડિયો

Women’s World Cup Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (બીજી નવેમ્બર, ૨૦૨૫) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા ODI વર્લ્ડ કપ જીતીને પોતાનું અને દેશનું સપનું સાકાર કર્યું. આ ઐતિહાસિક જીત બાદ ટીમની ઉજવણીમાં એક અત્યંત ભાવનાત્મક ક્ષણ જોવા મળી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે આ ટ્રોફી પૂર્વ દિગ્ગજ ખેલાડીઓને અર્પણ કરી.
પૂર્વ ખેલાડીઓનું સન્માન: એક ભાવનાત્મક વીડિયો વાઈરલ
વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી મેળવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર ઉજવણી કરી હતી. આ ઉજવણીનો સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને તેના સાથી ખેલાડીઓ ડ્રેસિંગ રૂમની બહાર પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીઓનું સન્માન કરતા જોવા મળ્યા હતા.
હરમનપ્રીત કૌરે આ ટ્રોફી અંજુમ ચોપરા, મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી જેવી પૂર્વ ખેલાડીઓને અર્પણ કરી હતી. આ યાદગાર ક્ષણે હરમનપ્રીત કૌરે મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીને ભેટીને ભાવુક અંદાજમાં કહ્યું, 'દીદી, આ તમારા માટે છે.' આ દરમિયાન ભારતીય કેપ્ટને એક ખાસ માફી પણ માંગી. તેણે ઉમેર્યું, 'ગઈ વખતે તમારા માટે વર્લ્ડ કપ ન જીતી શક્યા તે બદલ હું માફી માંગુ છું.'
આ પણ વાંચો: BCCIએ ચાલુ સીરિઝ વચ્ચે કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી રીલીઝ કર્યો, જાણો કારણ
આ પળોએ ક્રિકેટ ચાહકોને ભાવુક કરી દીધા હતા, કારણ કે આ પૂર્વ ખેલાડીઓ લાંબા સમયથી ભારતને વર્લ્ડ કપ જીતાડવાનું સપનું જોતા હતા અને તે તેમના નિવૃત્તિ પછી સાકાર થયું. ટીમની આ ઉજવણીએ પૂર્વ અને વર્તમાન પેઢી વચ્ચેના મજબૂત બંધનને દર્શાવ્યું હતું.

