37 બોલ, 11 છગ્ગા અને 6 ચોગ્ગા... સ્ટાર બેટરે ઓસ્ટ્રેલિયા માટે ફટકારી સૌથી ઝડપી T20I સેન્ચુરી
Tim David: વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટર ટિમ ડેવિડે પોતાની વિસ્ફોટક બેટિંગથી ધમાલ મચાવી દીધી છે. ટિમ ડેવિડે ઓસ્ટ્રેલિયા માટે માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. ડેવિડે 275.68 ના સ્ટ્રાઈક રેટથી 100 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડની T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલી સદી છે. પોતાની સદીની ઈનિંગમાં તેણે 6 ચોગ્ગા અને 11 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે જ ટિમ ડેવિડ ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે જોશ ઈંગ્લિસને પાછળ છોડી દીધો છે. જોશ ઈંગ્લિસે 2024માં સ્કોટલેન્ડ સામે 43 બોલમાં સદી ફટકારી હતી.
ટિમ ડેવિડની આ ધમાકેદાર ઈનિંગની સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝને 23 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવી દીધુ હતું. 5મા નંબર પર બેટિંગ કરવા ઉતરેલો ટિમ ડેવિડ મેચના અંત સુધી અણનમ રહ્યો. ડેવિડ ઉપરાંત મિશેલ ઓવેને 16 બોલમાં 36 રનની અણનમ ઈનિંગ રમી. આમ ઓસ્ટ્રેલિયાએ 215 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો.
ટિમ ડેવિડે સ્ટોઈનિસનો પણ રેકોર્ડ તોડ્યો
સદી ફટકારતા પહેલા ટિમ ડેવિડે માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ સાથે જ તેણે T20 ફોર્મેટમાં માર્કસ સ્ટોઈનિસનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ટિમ ડેવિડ હવે ઓસ્ટ્રેલિયા માટે T20 ફિફ્ટી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. બીજી તરફ માર્કસ સ્ટોઈનિસે ICC T20 વર્લ્ડ કપ 2022માં શ્રીલંકા સામે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
આ પણ વાંચો: ગિલની આ એક જીદ ટીમ ઈન્ડિયાને ભારે પડી છે, 68 સુધી ઓવર જ ન આપી : બોલિંગ કોચનો ખુલાસો
ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં,શાઈ હોપે પણ વેસ્ટ ઈન્ડિઝ માટે 102 રનની દમદાર ઈનિંગ રમી હતી. તેના આ શાનદાર પ્રદર્શનના કારણે જ વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત 20 ઓવરમાં 214 રનનો સ્કોર બનાવ્યો હતો, પરંતુ ટીમના બોલરો તેનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા. આમ સતત ત્રણ હાર સાથે યજમાન વેસ્ટ ઈન્ડિઝે સીરિઝ પણ ગુમાવી દીધી છે.