હરભજન-શ્રીસંત થપ્પડ કાંડનો વીડિયો કેમ 17 વર્ષ સુધી છુપાવાયો? હર્ષા ભોગલેએ કર્યો દાવો
Harbhajan-Sreesanth Slapping Video: IPL 2008માં શરૂ થયો હતો અને આ પહેલી સીઝનમાં હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચનો થપ્પડ કાંડ આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. હાલ હરભજન સિંહ અને શ્રીસંતની થપ્પડ મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જો કે, અનેક લોકોએ આ થપ્પડનો વીડિયો જોયો ન હતો. આ દરમિયાન કોમેન્ટેટર હર્ષા ભોગલેએ દાવો કર્યો છે કે, 'આ વીડિયો 17 વર્ષ સુધી કેમ છુપાવવામાં આવ્યો?'
હરભજન-શ્રીસંતનો વીડિયો કેમ છુપાવવામાં આવ્યો?
હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે થપ્પડ મારવાની ઘટનાના વીડિયો અંગે દિગ્ગજ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું 'હરભજન-શ્રીસંતનો વીડિયો 17 વર્ષ પછી સામે આવ્યો છે અને તે ખૂબ જ રસપ્રદ છે. બહુ ઓછા લોકોએ આ વીડિયો જોયો છે અને અમે પણ વચન આપ્યું હતું કે આ વીડિયો જાહેર કરવામાં આવશે નહીં. કારણ કે આ IPLની પહેલી સીઝન હતી અને આ ટુર્નામેન્ટ માટે સારા સમાચાર નહોતા.'
નોંધનીય છે કે, આ ઘટના IPLની પહેલી સિઝન દરમિયાન બની હતી જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને મોહાલીના મેદાન પર પંજાબ કિંગ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 25મી એપ્રિલ 2008ના રોજ યોજાયેલી આ મેચમાં હરભજન સિંહ મુંબઈનો કેપ્ટન હતો. પંજાબે તેમને 66 રનથી હરાવ્યું હતું. મેચ પૂર્ણ થયાના થોડા સમય પછી કેમેરા સામે શ્રીસંત રડતો જોવા મળ્યો. ત્યાર પછી ખબર પડી કે હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી હતી.
આ પણ વાંચો: 'બ્રોન્કો ટેસ્ટ રોહિત શર્માને વન-ડેમાંથી બહાર કરવાનું ષડયંત્ર...', પૂર્વ ક્રિકેટરનો દાવો
ભજ્જીએ ઘણી વાર આ ભૂલ સ્વીકારી
પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ઘણી વાર પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ શ્રીસંતની પુત્રી દ્વારા કહેવામાં આવેલી એક વાત હજુ પણ હરભજન સિંહ ભૂલ્યો નથી. શ્રીસંતની પુત્રીએ હરભજન સિંહને કહ્યું હતું કે, 'હું તમારી સાથે વાત કરવા માંગતી નથી, તમે મારા પિતાને માર્યું હતું.' ભજ્જી માને છે કે શ્રીસંતની પુત્રીની નજરમાં તે ખરાબ વ્યક્તિ છે અને આ છબી સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે.