શુભમન vs સેમસન અંગે ડિબેટ તો ઠીક પણ કોઈ આ મેચ વિનર ખેલાડી વિશે કેમ વાત નથી કરતું?

Sanju Samson vs Shubman Gill: હાલમાં ક્રિકેટ ગલિયારામાં શુભમન vs સેમસન ટોપિક અંગે જોરશોરથી ડિબેટ ચાલી રહી છે. શુભમન ગિલને ઓલ-ફોર્મેટ પ્લેયર બનાવવાની જિદ ભારતને મોંઘી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન બનાવ્યા બાદ ટીમ મેનેજમેન્ટ તેને T20 ટીમની પણ જવાબદારી સોંપવા માગે છે. જોકે, તેને ક્રિકેટના સૌથી નાના ફોર્મેટની કેપ્ટનશીપ 2026 વર્લ્ડ કપ પછી જ મળશે, જેના કારણે તેને હાલમાં વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શુભમન ગિલને એશિયા કપમાં અચાનક T20 ટીમમાં ફીટ કરવાની યોજના સામે આવી છે અને તેને સીધી જ વાઈસ-કેપ્ટનની જવાબદારી આપી દેવામાં આવી. તેને ટીમમાં ફીટ કરવા માટે અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડી તોડવામાં આવી, જેમણે 2024 T20 વર્લ્ડ કપ બાદ ભારત માટે ઘણા રન બનાવ્યા હતા.
સંજુ સેમસને પહેલા ઓપનિંગ સ્લોટ ગુમાવ્યો, ત્યારબાદ સારા ફિનિશરની તલાશમાં જિતેશ શર્માને ટીમમાં સામેલ કરવા માટે સેમસનને બેન્ચ પર બેસાડી દીધો. હવે જ્યારે શુભમન ગિલ T20 ક્રિકેટમાં સતત ફેલ થઈ રહ્યો છે, ત્યારે સંજુ સેમસનને ફરીથી તક આપવાની વાત થઈ રહી છે.
આ પણ વાંચો: VIDEO : લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
શુભમન ગિલના 2025ના T20I આંકડા પર નજર નાખીએ તો આ વર્ષે 14 મેચોમાં તેણે 23.90ની એવરેજથી 263 રન બનાવ્યા છે, જેમાં તે એક પણ વાર 50 રન નથી બનાવી શક્યો. તેનો હાઈએસ્ટ સ્કોર 47 રહ્યો છે.
સંજુ સેમસને શું ખોટું કર્યું?
બીજી તરફ સંજુ સેમસનના 2024ના આંકડા શુભમન ગિલ કરતા ઘણા સારા છે. ગત વર્ષે સેમસને 13 મેચમાં 43.60ની એવરેજથી 436 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી સામેલ હતી.
હવે શુભમન ગિલ અને સંજુ સેમસન આ ડિબેટ તો ઠીક છે કારણ કે બંને ખેલાડીઓ હાલમાં ભારતીય ટીમનો ભાગ છે, પરંતુ યશસ્વી જયસ્વાલ વિશે કોઈ કેમ વાત નથી કરી રહ્યું, જેણે આ ફોર્મેટમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ તેમ છતાં તે હજુ પણ બહાર બેઠો છે?
યશસ્વી જયસ્વાલની કેમ કોઈ વાત નથી કરી રહ્યું?
યશસ્વી જયસ્વાલે ભારત માટે છેલ્લે T20I મેચ 2024માં રમ્યો હતો. તે 2024 T20 વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ હતો, પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ કરતા હોવાના કારણે તેને એક પણ મેચ રમવાની તક નહોતી મળી.
યશસ્વી જયસ્વાલના T20I આંકડા
યશસ્વી જયસ્વાલના T20I આંકડાની વાત કરીએ તો તે અત્યાર સુધી ભારત માટે 23 T20I મેચ રમ્યો છે, જેમાં તેણે 36.15ની એવરેજથી 723 રન બનાવ્યા છે. આ દરમિયાન જયસ્વાલે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે.
બીજી તરફ 2024ના તેમના આંકડા પર નજર કરીએ તો ગત વર્ષે યશસ્વી જયસ્વાલને 8 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે 41.85ની એવરેજથી 293 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 93 રનનો રહ્યો હતો. પરંતુ તેમ છતાં તેના વિશે કોઈ વાત નથી કરી રહ્યું, તે અચાનક ટીમમાંથી બહાર થઈ ગયો.
જયસ્વાલ હાલમાં T20 ક્રિકેટના બેસ્ટ બેટ્સમેનોમાંથી એક છે. જો તેને અભિષેક શર્મા સાથે ઓપનિંગની તક મળે તો આ જોડીને રોકવી કોઈપણ ટીમ માટે મુશ્કેલ બનશે. ચાહકોને આ જોડીમાં મેથ્યુ હેડન અને એડમ ગિલક્રિસ્ટની ઝલક પણ દેખાય શકે છે.

