એજબેસ્ટનમાં ઐતિહાસિક જીત બાદ પણ ગિલ કઈ વાત પર બગડ્યો, કહ્યું - આ રીતે તો ટેસ્ટ...
IND vs ENG: એજબેસ્ટનમાં ઐતિહાસિક જીત બાદ પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે પિચને લઈને નારાજગી વ્યક્ત કરી છે. ગિલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ બાદ એજબેસ્ટનની ફ્લેટ પિચ અને ડ્યુક બોલ પર નારાજગી વ્યક્ત કરી છે. ગિલનું કહેવું છે કે, આવી સ્થિતિમાં બોલરો માટે વિકેટ લેવી ખૂબ જ મુશ્કેલ બની ગયુ હતું. ગિલે આ નિવેદન એ મેચ બાદ આપ્યું જેમાં ભારતે જસપ્રીત બુમરાહ વિના ભારતે ઈંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું હતું.
બોલરો માટે વિકેટ લેવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ગિલે કહ્યું કે, બોલ ખૂબ જ ઝડપથી પોતાનો આકાર ગુમાવી રહ્યો હતો, જેના કારણે બોલરો માટે મુશ્કેલીઓ વધી ગઈ. તેમણે કહ્યું કે, પિચ, બોલ કે હવામાન કારણ ગમે તે હોય પરંતુ આવી પરિસ્થિતિઓમાં વિકેટ લેવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ બોલરો માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. વિકેટ કરતાં તો વધુ બોલ ખૂબ જ ઝડપથી નરમ અને આઉટ ઓફ શેપ થઈ રહ્યો હતો. મને ખબર નથી કે તે હવામાન છે, વિકેટ છે કે બીજું કંઈક, પરંતુ આવી પરિસ્થિતિઓમાં બોલરો માટે વિકેટ લેવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એક ટીમ તરીકે જ્યારે તમે જાણો છો કે વિકેટ લેવી મુશ્કેલ છે અને રન સરળતાથી આવી રહ્યા છે, ત્યારે ઘણી વસ્તુઓ તમારા નિયંત્રણની બહાર થઈ જાય છે.
બોલરોને થોડી મદદ મળવી જોઈએ
ભારતીય કેપ્ટને એમ પણ કહ્યું કે, બોલરોને થોડી મદદ મળવી જોઈએ જેથી ટેસ્ટ ક્રિકેટની વાસ્તવિકતા જળવાઈ રહે. જો બોલ માત્ર 20 ઓવર માટે જ કંઈક કરે અને બાકીના સમયે બચાવની માનસિકતા સાથે રમવું પડે, તો રમતની મજા જતી રહે છે.
આ પણ વાંચો: એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાની જીત પર કિંગ કોહલીનું રિએક્શન, જુઓ કોના કોના કર્યા વખાણ
રમત તેની વાસ્તવિક ઓળખ ગુમાવી દે છે
ગિલે આગળ કહ્યું કે, મને લાગે છે કે બોલરોને ઓછામાં ઓછી થોડી મદદ મળવી જ જોઈએ. જ્યારે બોલ કંઈક કરે છે, ત્યારે રમવાની મજા આવે છે. જો તમને ખબર હોય કે બોલ ફક્ત 20 ઓવર માટે જ કંઈક કરશે અને તે પછી તમારે આખો દિવસ રન રોકવાના વિચાર સાથે રમવું પડશે, તો રમત તેની વાસ્તવિક ઓળખ ગુમાવી દે છે.